કેનેડામાં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી

કેનેડાઃ કેનેડા સ્થિત એક નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત દ્વારા 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેનેડાના અને કેનેડા સ્થિત ગુજરાતના પ્રતિષ્ઠિત લોકોએ હાજરી આપી હતી. સર્વપ્રથમ હોલની બહારના મેદાનમાં ભારતનો ધ્વજ મેયર અને ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા ફરકાવવામાં આવ્યો,  ત્યાર પછી, હોલમાં આવીને કેનેડા અને ભારતના રાષ્ટ્રગાનની ધૂન તબલાં અને બાંસૂરી પર વગાડવામાં આવી, જેમાં સર્વે અતિથિ અને આવેલ મહેમાનો એ પણ પોતાનો સૂર પુરાવ્યો, ઝણકાર ગ્રુપ અને મુદ્રા ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યાં. જેમાં ડાન્સ, ગરબા , ભવાઈ અને પ્રશ્નોત્તરી જેવા વૈવિધ્યસભર કાર્યક્રમો પીરસીને ઉપસ્થિત શ્રોતાઓને મનોરંજન પીરસવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમાં આ ફાઉન્ડેશનના પ્રમુખ અખીલ શાહ અને બ્રામ્પ્ટનના મેયર જેફરી દ્વારા પ્રસંગોચિત સંબોધનો કરવામાં આવ્યા હતા.  ‘ફ્રેંડ્સ ઓફ ગુજરાત’ એક નોન પ્રોફિટ ઓર્ગનાઈઝશન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કેનેડામાં વસતા ગુજરાતના મિત્રો , કે જેઓ વ્યક્તિગત રીતે ખૂબ સફળ થયા છે, તેમ છતાં રાજકીય, આર્થિક, સામાજિક, વૈધાનિક અને ન્યાયિક વર્તુળોમાં તેમનો અવાજ ખૂટે છે, તેને વેગ આપવાનું છે અને તે આજે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે.