અમદાવાદઃ વૈશ્વિક કોવિડ-19 રોગચાળા કારણે છેલ્લા બે વર્ષમાં બાળકોનું આરોગ્ય ભારે જોખમમાં મુકાયું છે. ગયા વર્ષને અંતે ગરીબીમાં જીવતાં બાળકોની સંખ્યામાં છ કરોડનો ઉમેરો થયો છે.વર્ષ 2020 સુધીમાં દુનિયામાં વધુ 60થી 70 લાખ બાળકો ભારે કુપોષણનો ભોગ બન્યાં છે અને રસીકરણના દરમાં પણ નાટ્યાત્મક ઘટાડો થયો છે.
કોરોના વાઇરસને લીધે બાળકોના આરોગ્ય અંગેની કામગીરીને માઠી અસર થઈ છે ત્યારે વિવિધ કંપનીઓની કોર્પોરેટ સામાજિક જવાબદારી શાખાઓ અને સરકાર બાળકોનું આરોગ્ય સુધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેવાં મંતવ્યો ટોચના નિષ્ણાતોએ વ્યક્ત કર્યાં હતાં.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સની સખાવતી શાખા ઈન્દ્રશીલ કાકા-બા અને કલાબુધપબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બાળ આરોગ્યમાં સાતત્યપૂર્ણ સુધારા માટે CSRની ભૂમિકા અંગે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચા કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક ચેરમેન ઈન્દ્રવદન એ. મોદી કે જે ‘મેડિસન મેન ઓફ ઇન્ડિયા’ તરીકે જાણીતા છે તેમની જન્મ જયંતી પ્રસંગે ફેબ્રુઆરીએ વેબિનાર યોજાયો હતો.
આ પેનલમાં કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરત ચાંપોનેરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હું હાંસોટમાં છેલ્લાં 40 વર્ષથી કામ કરી રહ્યો છું અને મારું માનવું છે કે મજબૂત સહયોગ વડે આરોગ્ય ક્ષેત્રે સાતત્યપૂર્ણ પરિવર્તન લાવી શકાય તેમ છે. આ ટ્રસ્ટે હાંસોટમાં (SAAHAS) આરોગ્યની યોજનાઓ અંગે જાગૃતિ અને ઉપલબ્ધિ વધારવા માટે GHSi સાથે સહયોગ કર્યો છે. તેમના દ્વારા લાંબા ગાળા માટે પુનરાવર્તન કરી શકાય તેવું આરોગ્યનું મોડલ રજૂ કરવામાં આવ્યું છે.
બાળ આરોગ્ય અંગેની સાતત્યપૂર્ણ વ્યવસ્થાને અગ્રતા અંગે વાત કરતાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી (DDO) યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવા માટે પગલાં લઈ રહી છે. આ વેબિનારની સાથે-સાથે ફેસબુક પેજ SAAHAS ઉપર આ પ્રોજેક્ટ અંગેની મહત્ત્વની ગતિવિધિઓ મૂકવામાં આવશે.