રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની 3-દિવસીય ઉજવણીનું સમાપન

અમદાવાદઃ ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાનની ઉજવણીના ભાગ રૂપે સંયુક્ત રીતે વિજ્ઞાન ઉત્સવનું આયોજાન કરવામાં આવ્યું હતું. ઉજવણીની થીમ ‘સામુચિક ભવિષ્ય માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં સંકલિત અભિગમ’ હતી.

આ વિજ્ઞાન દિવસની ઉજવણીના સમાપન કાર્યક્રમમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નહેરા, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, ગાંધીનગરના ડાયરેક્ટર વિપિન કુમાર, આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર ડો.મનીષ જૈન , ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એચ.સી. મોદી,  ગુજકોસ્ટના એડ્વાઇઝર ડો. નરોત્તમ સાહુ ઉપસ્થિત રહ્યા હતા.

વિજય નહેરા, સેક્રેટરી, ડીએસટીએ શાળાના વિદ્યાર્થીઓમાં નિરીક્ષણ શક્તિ અને ઉદભવતા પ્રશ્નો પર ભાર મૂક્યો જે તેમની કારકિર્દી અને ભવિષ્યનો પાયો આપી શકે છે. તેમણે માહિતી આપી હતી કે સાયન્સ સિટી અને ગુજકોસ્ટ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વૈજ્ઞાનિક કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃત્તિઓની શ્રેણી તૈયાર કરી રહ્યા છે જે શિક્ષણ, સંલગ્ન અને મનોરંજક છે.

આ પ્રસંગે બોલતા ડૉ. વિપિન કુમાર, ડાયરેક્ટર એનઆઈએફ એ જણાવ્યુ કે આપણે સૌએ  વૈજ્ઞાનિક ભાવના અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સંવેદનશીલ બનાવવું પડશે જેથી કરીને વ્યક્તિ રોજિંદા જીવનમાં સમસ્યાઓને જાણી ઓળખી શકે અને તેના માટે વિજ્ઞાન અને ટેકનોલજી ની મદદથી સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધી શકે. તેમને ‘ઇગ્નાઇટ’ પ્રોગ્રામનું ઉદાહરણ આપી જણાવ્યુ હતું કે ત્યાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ તેમની આસપાસની  સમસ્યાના ઉકેલ માટે તેમના નવા વિચારો અને નવીનતા શેર કરે છે.

શરૂઆતમાં, ડૉ. મનીષ જૈન, IIT-ગાંધીનગર એ સામાન્ય ઉપયોગમાં લેવાતી સાદી-કાચી સામગ્રી દ્વારા સમજાવી શકાય તેવા સરળ  વૈજ્ઞાનિક પ્રયોગોનું નિદર્શન આપ્યું. તેમણે પ્રદર્શિત કરેલા દરેક પ્રયોગોમાંથી વિદ્યાર્થીઓને શાળાના અભ્યાસક્રમમાં શોધી ન શકાય તેવા પ્રશ્નોના ખૂબ જ આકર્ષક જવાબો મળ્યા.

‘રામન ઇફેક્ટ’ની શોધના  માનમાં  દર વર્ષે 28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા  1986માં 28મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (NSD) તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસે સર સી.વી. રામને ‘રામન ઇફેક્ટ’ની શોધની જાહેરાત કરી જેના માટે તેમને વર્ષ 1930માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ દિવસે, દેશભરમાં થીમ આધારિત સાયન્સ આઉટરીચ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

જ્યારે સાયન્સ સિટી તેની થીમ આધારિત ગેલેરી અને પ્રવૃત્તિઓ દ્વારા અનૌપચારિક વિજ્ઞાન શિક્ષણનું હબ બન્યું છે ત્યારે ગુજકોસ્ટ દ્વારા  ગુજરાતની STI નીતિનો અમલ થઈ રહ્યો છે જે સામુચિક ભવિષ્ય માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના વિચાર ના હાર્દમાં છે. વધુમાં, તમામ 33 જિલ્લાઓના કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ અને જનસમુદાયને  વિજ્ઞાન સાથે જોડવા અને પ્રોસહિત કરવા  વિવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત રાજયના નાગરિકોમાં વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે ગુજકોસ્ટ પાટણ, રાજકોટ, ભાવનગર અને ભુજ ખાતે ચાર સ્થાનિક વિજ્ઞાન કેન્દ્રો પણ સ્થાપી રહ્યું છે.

14,000 થી વધુ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ સાયન્સ સિટી, વિજ્ઞાન ઉત્સવની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કાર્યક્રમની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.