અમૂલે દૂધની કિંમતોમાં લિટરદીઠ રૂ. બેનો વધારો કર્યો

આણંદઃ અમૂલે દૂધની કિંમતમાં પ્રતિ લિટર રૂ. બેનો વધારો કર્યો છે. અમૂલનો વહીવટ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL) દ્વારા પહેલી માર્ચથી ગુજરાતમાં અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અમૂલ દૂધની કિંમતમાં વધારો કર્યો છે.  જેથી હવે અમૂલ ગોલ્ડની કિંમત પ્રતિ 500 મિલિલિટર રૂ. 30 રહેશે.અમૂલેના ગોલ્ડ, શક્તિ, તાજા સહિતના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. બેનો વધારો ઝીંક્યો છે. અમૂલે દૂધની સાથે છાશના ભાવ પણ વધારી દીધા છે. હવે છાશના નવા ભાવ પ્રતિ લિટર રૂ. 28 ચૂકવવા પડશે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધનાં ઉત્પાદનોનું વેચાણ કરે છે. અમૂલ દૂધનું દેશભરનાં બજારોમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂા. બેનો વધારો એક માર્ચ, ૨૦૨૨થી અમલમાં આવશે. હવે રાજ્યમાં  અમદાવાદ અને સૌરાષ્ટ્રનાં માર્કેટોમાં અમૂલ ગોલ્ડની કિંમત ૫૦૦ મિલી.દીઠ રૂા.૩૦ રહેશે, અમૂલ તાજાની કિંમત ૫૦૦ મિલી.દીઠ રૂા.૨૪ અને અમૂલ શક્તિની કિંમત ૫૦૦ મિલી.દીઠ રૂ.૨૭ રહેશે. છેલ્લાં બે વર્ષમાં અમૂલ દ્વારા તેના ફ્રેશ દૂધની શ્રેણીની કિંમતોમાં વાર્ષિક ચાર ટકાનો જ વધારો કરવામાં આવ્યો છે.

આ ભાવવધારો ઊર્જા, પેકેજિંગ, લોજિસ્ટિક્સ, પશુ આહાર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણ એકંદર સંચાલન ખર્ચમાં વધારો થવાને લીધે કરવામાં આવી રહ્યો છે. અમૂલ દ્વારા છેલ્લે 1 જુલાઈ, 2021એ દૂધની કિંમતમાં ભાવવધારો કર્યો હતો. એ વખતે પણ દૂધના ભાવ પ્રતિ લિટર રૂ. બે વધારવામાં આવ્યા હતા.