કેબિનેટ બેઠકમાં સમાન નાગરિક કાયદા માટે પ્રસ્તાવ પાસ

અમદાવાદ: રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ શનિવારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC)ને લાગુ કરવા માટે એક સમિતિ બનાવવાની ઘોષણા કરી હતી. આ સમિતિ હાઇકોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં બનશે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે સરકારે કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે.
તેમણે કહ્યું હતું કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહપ્રધાન અમિત શાહના નેતૃત્વમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.આ બેઠકમાં સમાન નાગરિક સંહિતા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે દેશમાં એકસમાન કાયદો હોય તો સૌને ઘણો લાભ થશે. તમામ નાગરિકોને એકસમાન અધિકાર મળશે. સર્વાનુમતે નિર્ણય લેવાય તે લોકશાહીની તાકાત. અગાઉ કાયદાઓ અલગ-અલગ હતા. ઘણા લોકો અન્યાય સહન કરતા હતા. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે તેમણે જણાવ્યું હતું કે કમિટીના રિપોર્ટ બાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. આ કમિટીની અધ્યક્ષતા હાઇકોર્ટના નિવૃત જજ કરશે. કમિટીમાં ત્રણ-ચાર સભ્યો રહેશે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રાજ્યમાં સમાન સિવિલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે એકસમાન કાયદો. આનો અર્થ એ છે કે દેશમાં રહેતા દરેક નાગરિક માટે એકસમાન કાયદો હોવો જોઈએ, પછી ભલે તે કોઈ પણ ધર્મ અથવા જાતિના હોય. જે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે ત્યાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ પડશે.