અમદાવાદઃ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા ડિસેમ્બર, 2022માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઉન્ડેશનની પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યાં હતાં. ICAIની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન CA બિશન શાહે CA ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામોમાં અમદાવાદ કેન્દ્ર અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ડિસેમ્બર, 2022માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 3675 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1393 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 37.90ની ટકાવારી સૂચવે છે.
દેશમાં 1,26,015 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 36,864 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 29.25ની ટકાવારી સૂચવે છે. ગયા વર્ષે અમદાવાદ કેન્દ્રનું પરિણામ 33.60 ટકા હતું, જે આ વર્ષે નોંધપાત્ર રીતે વધ્યું છે અને અમદાવાદ કેન્દ્રનો દેખાવ પણ ઉત્કૃષ્ટ રહ્યો છે. આ પરિણામો દર્શાવે છે કે કોવિડ પછીના સમયગાળામાં વિદ્યાર્થીઓ વધુ સારી રીતે અભ્યાસ કરીને સફળતા મેળવી શક્યા છે.આ પ્રસંગે ICAIની અમદાવાદ બ્રાન્ચના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વાઇસ ચેરપર્સન CA ડો. અંજલી ચોક્સી, સેક્રેટરી CA નીરવ અગ્રવાલનો સમાવેશ થાય છે.