બજેટ-સત્રનો પ્રારંભઃ નાણાપ્રધાન નવમી વાર બજેટ રજૂ કરશે

ગાંધીનગરઃ કોરોના રોગચાળા દરમ્યાન રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થશે. નાણાપ્રધાન નીતિન પટેલ ત્રીજી માર્ચે નવમી વાર બજેટ રજૂ કરશે. સત્ર દરમિયાન લવ જેહાદનું બિલ પસાર થશે. કોરોનાને લીધે વિધાનસભામાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

રાજ્યનું બજેટ સત્ર પહેલી એપ્રિલ, 2021 સુધી ચાલશે. નગરપાલિકા અને તાલુકા પંચાયતનાં પરિણામોને લીધે આ બજેટ ત્રીજી માર્ચના રોજ રજૂ થશે. વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂઆત કરવામાં આવશે.

સ્થાનિક ચૂંટણી પરિણામોને લીધે વિધાનસભા બીજી માર્ચે બેઠક મુલતવી રાખવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડનું હતું, પરંતુ આ વખતે કોરોના રોગચાળાને કારણે વર્ષ 2021 -22ના બજેટનું કદ રૂ. 2.30 લાખ કરોડની આસપાસ રહે તેવી શક્યતા છે.

આ બજેટ સત્રમાં લવ જેહાદનું બિલ રજૂ થવાનું છે. આ સિવાય વિધાનસભાના સત્ર દરમિયાન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સુધારા વિધેયક ,ગુજરાત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સુધારા વિધેયક ગુજરાત રાજવીતિય જવાબદારી સુધારા વિધેયક ,ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક સુધારા વિધેયક ઉપરાંત અન્ય સાત વિધેયકો રજૂ કરવાના મામલે આજે કામકાજ સલાહકાર સમિતિ બહાલી આપવાના આવી હતી.

બેઠકના પ્રથમ દિવસે 11 જેટલા મહાનુભાવોને શોકાંજલિ

ગુજરાત વિધાનસભાની પરંપરા અનુસાર વિધાનસભાના પૂર્વ સભ્યો પૂર્વ મુખ્ય પ્રધાનોને પ્રથમ દિવસે શ્રદ્ધાંજલિ આપવાની પરંપરા છે આ પરંપરાના ભાગરૂપે વિધાનસભાના પ્રથમ દિવસે પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ માધવસિંહ સોલંકી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ કેશુભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

વિધાનસભામાં પ્રવેશતા  તમામ સચિવો અને ધારાસભ્યોને કોરોનાની રસી મૂકવામાં આવશે.