ભૂજઃ ભૂજસ્થિત હરામી નાળા વિસ્તારમાંથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ છ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. BSFએ કહ્યું હતું કે ઘૂસણખોરોની તપાસ માટે વિસ્તારમાં તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, એ દરમ્યાન ધરપકડ કરવામાં આવી હતી. હરામી નાળા વિસ્તારમાં પાકિસ્તાની માછીમારી પકડવાવાળી બોટો અને માછીમારોની ઘૂસણખોરોની સામે જારી ઓપરેશનમાં BSFના જવાનોએ છ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે.
BSFએ કચ્છની પાસે ભારત-પાકિસ્તાનની દરિયાઈ સરહદથી લાગેલા હરામી નાળા ક્રિક વિસ્તારમાં માછીમારી કરતી નવ પાકિસ્તાની બોટોને જપ્ત કરી છે. BSFના ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ જીએસ મલિકે કહ્યું હતું કે નિયમિત તપાસ દરમ્યાન ડ્રોનની મદદથી હરામી નાળામાં માછીમારી નવ બોટો દેખાઈ હતી. BSFએ આ બોટોને પકડવા ઘટનાસ્થળે પહોંચી હતી અને પાકિસ્તાનના માછીમારોને બોટોની સાથે જપ્ત કરી હતી.
ક્રિક વિસ્તાર ધરાવતા હરામીનાળા પાસે અલગ-અલગ જગ્યાઓએથી ઉપરોક્ત પાકિસ્તાની બોટ ઝડપાયા બાદ હજુ પણ અન્ય બોટ હોય તો તેને ઝડપવાની ઝુંબેશ ચાલુ છે. હજી પખવાડિયા પૂર્વે પાકિસ્તાન દ્વારા દેશની જળ સીમાએથી ભારતના માછીમારોનું બોટ સહિત અપરહરણ કરી જવાની ઘટના તાજી છે. આ ઉપરાંત એક માસ પૂર્વે જ સરક્રિક પાસેથી ત્રણ બોટ સહિત એક પાક માછીમાર ઝડપાયો હતો. આજે ફરીથી નવ પાકિસ્તાની બોટ ઝડપાઈ છે.