વડોદરાની IOCL રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટ

વડોદરાના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. એ બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. 6 કિમી દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અહીં બપોરે ઓઈલના એક સ્ટોરેજ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થયો, જેના કારણે આસપાસના એક કિલોમીટર સુધીના વિસ્તારમાં અનેક મકાનોના બારી-બારણાં ધણધણી ઉઠ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ આગના કારણે આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં રિફાઇનરીમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડના દસ જેટલા વાહનો તેમજ પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. નોંધનીય છે કે, હાલ ઘટના સ્થળે રિફાઇનરીના ફાયર ફાઈટર આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, નંદેસરી અને અન્ય ફાયર બ્રિગેડને જરૂર પડે તો તૈયાર રહેવા કહેવાયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર કર્મીઓ સાથે એમ્બ્યુલન્સ પણ અંદર ગઈ છે. જ્યારે બે વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. IOCL કંપનીમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારની ધરા ધ્રૂજી ઊઠી હતી તેમજ બ્લાસ્ટના અવાજથી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ બે એમ્બ્યુલન્સ IOCL કંપનીમાં પહોચી છે, જ્યારે સ્થાનિક ધારાસભ્ય ધરમેન્દ્રસિંહ વાઘેલા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.