‘બે તબક્કાની ચૂંટણીમાં ભાજપે મારી સેન્ચૂરી’, કોંગ્રેસ પર વરસ્યા અમિત શાહ

લોકસભા ચૂંટણીને લઈ છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય નેતાઓ રાજ્યમાં જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહ 30 એપ્રિલના રોજ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે અમદાવાદના મધ્યસ્થ કાર્યલય ખાતે બેઠક યોજી હતી. તેમણે લોકસભા વિસ્તારના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરવા સાથે ચૂંટણીલક્ષી સમીક્ષા પણ કરી હતી. જે બાદ નરોડા ખાતે જનસભાને સંબોધન પણ કર્યં હતું.

નરોડામાં સંબોધન દરમિયાન તેમણે બે તબક્કાનું પૂર્ણ થયેલા મતદાનમાં ભાજપે સેન્ચૂરી મારી હોવાનું કહ્યું સાથે આખા દેશમાં મોદી-મોદી જ હોવાની પણ વાત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા, ગુજરાતમાં 25 માંથી 25 બેઠકો પર કમળ ખીલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ પર અમિત શાહનો પ્રહાર

અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં આજે નરોડા વિસ્તારમાં વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું, કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસે પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, અગાઉ કોંગ્રેસના રાજમાં 6 મહિના સુધી કરફ્યૂ રહેતું હતું. પરંતુ, છેલ્લા 23 વર્ષમાં ગુજરાતમાં એક પણ કરફ્યૂ જોવા મળ્યું નથી. કોંગ્રેસે BRTS, રિવરફ્રન્ટ તમામ બાબતનો વિકાસ રોકવાનું કામ કર્યુ. હું અમદાવાદમાં રહેલો છુ. પહેલા માત્ર પશ્ચિમનો વિકાસ થતો આજે પૂર્વ પશ્ચિમ બંનેનો વિકાસ થાય છે.

કાશ્મીર પર બોલ્યા અમિત શાહ

વધુમાં તેમણે કહ્યું હવે સમગ્ર દેશમાંથી નક્સલવાદ અને આતંકવાદ દૂર કરવામાં આવી રહ્યો છે. 5 ઓગસ્ટે કાશ્મીરમાંથી 370 હટાવવામાં આવી હતી. કાશ્મીરમાં હાલ શાંતિનો માહોલ છે. કાશ્મીર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. ભાજપનો રથ ખૂબ ઝડપથી ‘400 પાર’ની દિશામાં આગળ વધી રહ્યો છે. ત્રીજા તબરક્કામાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવાનું છે. આપણે 25 એ 25 બેઠકો પર કમળ ખીલાવવાનું છે. હું સમગ્ર દેશમાં પ્રવાસ કરું છું, જ્યાં પણ જાઉ ત્યાં ‘મોદી મોદી’ના નારા લાગે છે. આ લોકપ્રિયતા નરેન્દ્રભાઈને મળી તેનું મોડલ ગુજરાતે આપ્યું છે. ગુજરાતમાંથી મોદી સાહેબે વિકાસની શરૂઆત કરી હતી અને વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીજી એ તમામ જગ્યાઓ પર વિકાસની શરૂઆત કરી છે.