ગાંધીનગર– ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઇ હતી. ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતુ કે, તાજેતરમાં જ ગુજરાતની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઇ હતી, જેમાંથી ૪૭ નગરપાલિકાઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગઇકાલે પ્રદેશ ભાજપા તરફથી જે-તે નગરપાલિકાઓમાં બે-બે નિરિક્ષકો મોકલવામાં આવ્યા હતા, આ નિરિક્ષકોએ જીલ્લા/શહેરની સંકલન સમિતિઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની બેઠકોમાં નગરપાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખોના નામો અંગેની ચર્ચા-વિચારણાઓ કરી હતી.આજે શનિવારે મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ૪૭ નગરપાલિકાઓના પ્રભારી મંત્રીઓ, પ્રદેશ નિરિક્ષકો તથા જીલ્લા/શહેર સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ તેમનો અહેવાલ રજુ કર્યો હતો. નગરપાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીના દિવસે ભાજપા પ્રદેશ તરફથી મેન્ડેટ મોકલવામાં આવશે.
ભરત પંડ્યાએ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતુ કે, ગુજરાત વિધાનસભામાં સતત છઠ્ઠી વખત જનતા જનાર્દનના આશીર્વાદથી ભાજપના વિજયી બન્યા બાદ સરપંચોની ચૂંટણીઓમાં ૭૫ ટકા ભાજપ સમર્થિત સરપંચો ચૂંટાયા છે, ત્યારબાદ થયેલી નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ૪૭ નગરપાલિકાઓમાં ભવ્ય વિજય થયો છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલી જીલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.
જીલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપએ કુલ ૬૧ બેઠકો પર વિજય મેળવ્યો છે. ૨૦૧૩ના પરિણામોની સરખામણીમાં આ વખતે ભાજપની કુલ બેઠકોમાં ૧૪ બેઠકોનો વધારો થયો છે. જીલ્લા પંચાયત પેટા ચૂંટણીઓમાં ૦૫ માંથી ૦૩ બેઠકો ભાજપને તથા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં પણ ૨૪માંથી ૧૮ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.
કોંગ્રેસનો ગઢ ગણાતા ખેડા જીલ્લામાં પણ ભાજપાનો ભગવો લહેરાયો છે. બે તૃત્યાંસ બહુમતિ સાથે ખેડા જીલ્લા પંચાયત ભાજપે કબજે કરી છે. ૨૦૧૩માં ખેડા જીલ્લા પંચાયતમાં ભાજપના ૧૮ સભ્યો ચૂંટાયા હતા, જ્યારે આ વખતે ૨૮ સભ્યો ભાજપના ચૂંટાયા છે. તે જ રીતે બનાસકાંઠા જીલ્લા પંચાયતમાં પણ ૨૦૧૩માં ૨૬ સભ્યો ભાજપના ચૂંટાયા હતા, જ્યારે આ વખતે ૩૦ સભ્યો ભાજપના ચૂંટાયા છે. આ ઉપરાંત ૦૭ તાલુકા પંચાયતોમાં ભાજપને સંપૂર્ણ બહુમતિ મળી છે. બે જીલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપાના કુલ ૨૬૭ સભ્યો વિજયી બન્યા. આ પરિણામ એ સમગ્ર ગુજરાતની ગ્રામીણ જનતાના ભાજપ તરફી જનમતનું પ્રતિબિંબ છે