વલસાડઃ રાજ્યના વલસાડ જિલ્લામાં ભાજપના એક મોટા નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ભાજપના ઉપપ્રમુખ શૈલેશ પટેલ તેમના પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખસોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. એ બાદ શખસો ફરાર થઈ ગયા હતા. જૂની અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શૈલેશ પટેલના પરિવારના સભ્યોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. જોકે મામલતદાર અને અગ્રણીઓએ આશ્વાસન આપતાં પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના ઉપપ્રમુખ શૈલેશ પટેલ દર સોમવારે પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવા આવતા હતા. ત્યારે આજે સવારે 7.15ની આસપાસ પત્ની સાથે મંદિરે પહોંચ્યા અને પત્ની મંદિરની અંદર ગયાં, જ્યારે શૈલેશ પટેલ ગાડીમાં જ બેસીને પત્નીની રાહ જોઈ રહ્યા હતા. એ સમયે અચાનક એક બાઇક તેમની ગાડી પાસે આવીને ઊભી રહી ગઈ. આ બાઈક પર ચાર વ્યક્તિ સવાર હતા. શૈલેશ પટેલ કઈ સમજે એ પહેલાં જ એ શખસોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. ચાર રાઉન્ડ ફાયરિંગમાં શૈલેશ પટેલને ત્રણ ગોળી વાગી હતી. ત્યાર બાદ ચારેય શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
તેમનાં પત્નીએ જ્યારે પતિને લોહીલુહાણ હાલમાં જોયા, ત્યારે જ પત્નીએ ચીસાચીસ કરી મૂકી હતી. ત્યાર બાદ શૈલેશ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓને થતાં ઘટનાસ્થળે BJPના આગેવાનો અને પોલીસનો કાફલો દોડી આવ્યો છે.
વલસાડ જિલ્લા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઘટનાસ્થળનું નિરીક્ષણ અને આજુબાજુના વિસ્તારમાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.