ગુજરાતીને ‘ઠગ’ કહેવાના કેસમાં તેજસ્વી યાદવને સમન્સ

અમદાવાદઃ બિહારના ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવની વિરુદ્ધ અમદાવાદમાં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુનાવણી થઈ છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં સોમવારે એક ગુજરાતીને ઠગ કહેવાના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તેજસ્વી યાદવને 20 મેએ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે આ મામલે બદનક્ષીનો કેસ દાખલ કરનાર ફરિયાદીને પણ પુરાવા સાથે આવવાનો આદેશ કર્યો છે. હકીકતમાં, બિહારના ઉપ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે બજેટ સત્રમાં બિહાર વિધાનસભા પરિસરમાં નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે દેશમાં હાલની પરિસ્થિતિમાં માત્ર ગુજરાતીઓ જ ગુંડા બની શકે છે. તેજસ્વીએ કહ્યું કે આ ગુંડાઓને પણ માફ કરવામાં આવે છે.

તેજસ્વી યાદવે પંજાબ નેશનલ બેંકના પૈસા લઈને ભાગી ગયેલા મેહુલ ચોક્સી પરની રેડ કોર્નર નોટિસ હટાવવા અને તેમની અને લાલુ પરિવાર વિરુદ્ધ ચાલી રહેલી CBI તપાસને લઈને આ નિવેદન આપ્યું હતું.

જ્યારે તેજસ્વી યાદવના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેણે તેના પર સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે તેણે આ વાત તમામ ગુજરાતીઓ માટે નથી કહી, પરંતુ તેણે કેટલાક લોકો માટે ઠગ શબ્દનો ઉપયોગ કર્યો છે. તેજસ્વી યાદવના આ નિવેદન સામે સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

તેણે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ IPCની કલમ 499 અને કલમ 500 હેઠળ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં પહેલી સુનાવણી પહેલી મેએ થઈ હતી. ત્યાર બાદ એને બદલીને 8 મે કરવામાં આવી હતી, જે બાદ સોમવારે સુનાવણી બાદ કોર્ટે તેજસ્વીને સમન્સ પાઠવ્યાં છે. આ કેસની આગામી સુનાવણી 20 મેએ થશે.