બાળકો ગુમ થવાને મામલે ભાજપ સરકાર ગંભીર નથીઃ પરેશ ધાનાણી

ગાંધીનગર- ગુજરાતની વિધાનસભામાં જે વાત થાય તેનાં જવાબો અપાય તેના ઉપર સૌને વિશ્વાસ હોય છે, પરંતુ સરકાર વિધાનસભા ગૃહમાં ખોટા જવાબો આપી વિધાનસભા ગૃહનાં સભ્યો સાથે રાજયની પ્રજાને પણ ગેરમાર્ગે દોરી રહી છે. આજે બુધવારે પ્રશ્નોતરીકાળ દરમ્યાન એક જ જીલ્લાનાં રાજયમાં બાળકો ગુમ થવાનાં પ્રશ્ને પશ્ન ક્રમાંક-૧ અ.નં.૧૭૩માં આપવામાં આવેલ જવાબનાં આંકડાઓમાં તફાવત આવતાં વિધાનસભા ગૃહમાં વિરોધપક્ષ દ્વારા વિરોધ થયો હતો અને હોબાળો કરવામાં આવતાં સરકારનાં પ્રધાનોને જવાબ આપતાં ગલ્લા-તલ્લા કરવા પડયા હતા. આ પ્રશ્નમાં દરમ્યાનગીરી કરતાં સરકારનો ખુલાસો પુછતાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પ્રશ્ન ક્રમાંક-૧ અને પ્રશ્ન ક્રમાંક-૧૭૩ ગીર સોમનાથ જીલ્લાનો હતો. આ પ્રશ્નની અંદર વર્ષ-ર૦૧૬ અને વર્ષ-ર૦૧૭માં કેટલા બાળકો ગુમ થયા તે એક જ સરખા અલગઅલગ પ્રશ્નોનાં જવાબોમાં બાળકોની સંખ્યા અલગઅલગ કેવી રીતે હોઈ શકે? આમ છતાં સરકારે બાળકોની સંખ્યા અલગઅલગ બતાવી સાબીત કર્યુ છે કે, બાળકો ગુમ થવાનાં મુદ્દે સરકાર બિલકુલ ગંભીર નથી. સાથે એવો પણ મુદ્દો ઉપસ્થિત થાય છે કે, રાજય સરકાર વિધાનસભા ગૃહને ગેરમાર્ગે દોરી રહી છે, જે બાબત ખૂબ જ ગંભીર છે. આવા જવાબોથી સરકાર ઉપર અવિશ્વાસ ઉભો થઈ રહયો છે.

ધાનાણીએ અધ્યક્ષને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, વિધાનસભામાં રાજય સરકારે ફલોર ઉપર આપેલા આંકડા મુજબ કુલ ૪,૯પ૧ બાળકો રાજયમાં છેલ્લા બે વર્ષમાં ગુમ થયાં છે આ આંકડાઓ અમે ગુજરાતની જાણ માટે પ્રસિધ્ધ કર્યા. ત્યારે ભાજપ સરકારના મહિલાપ્રધાને વિધાનસભાના દરવાજે મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ આંકડા ખોટા હોઈ શકે. વિધાનસભાનાં નિયમોનાં નિયમો અનુસાર આ વિધાનસભાની એક પ્રશ્નોતરીમાં ચોકકસ સમયનાં ઉલ્લેખ સાથે પ્રશ્ન ક્રમાંક-૧ અને ૧૭૩માં બાળકો ગુમ થયાનાં પ્રશ્ને અલગ અલગ જવાબો ભુલથી આવ્યા હોય તો શુધ્ધીપત્રકમાં સુધારો આવવો જોઈએ, પરંતુ શુધ્ધીપત્રકમાં પણ આવો સુધારો આવ્યો નથી. તેથી સ્પષ્ટ થાય છે કે, સરકાર બાળકો ગુમ થવા મુદ્દે ગંભીર નથી.