મેટ્રો ટ્રેન વર્ષના અંત સુધીમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી દોડતી થશે

ગાંધીનગર– અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારવાના આશયથી મેટ્રો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ હેઠળ હાલ નોર્થ-સાઉથ અને ઇસ્ટ-વેસ્ટ કોરિડોર પર કામ ચાલી રહ્યું છે. જે પૈકી ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચેના પ્રાયોરિટી રીચથી સિવીલ કામગીરી પૂર્ણ થવાના આરે છે, તેમ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.વિધાનસભા ગૃહમાં એક પ્રશ્નના ઉત્તરમાં નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે પ્રવાસીઓને ઝડપી આવન-જાવન સુવિધા પૂરી પાડવા માટે મેટ્રોલિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર-અમદાવાદ કંપની શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં ઇસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ કોરિડોર પર કાર્ય ચાલી રહ્યું છે. વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચેના પ્રાયોરિટી રીચની સિવીલ કામગીરી પૂર્ણ થવાના આરે છે. આ મેટ્રોના રૂટ પર આવતાં છ સ્ટેશનોના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. ટ્રેક અને સિગ્નલીંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે થલતેજથી શાહપુર વચ્ચેના વેસ્ટર્ન રીચમાં વાયાડકટની અને સ્ટેશનની સિવીલ કામગીરી ચાલુ છે.

એપરલ પાર્ક ડેપોની કામગીરી પૂર્ણતાના આરે છે. મોટેરાથી એ.પી.એમ.સી. સુધીના નોર્થ- સાઉથ કોરિડોરમાં બધા જ સ્થળો પર સિવીલ કામગીરી પ્રગતિમાં છે. આ તમામ કામગીરી માટે કુલ રૂા.3058 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

નિતીનભાઇ પટેલે વિશ્વાસ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચેના આશરે ૬.૫ કિ.મી. લંબાઇ ધરાવતાં પ્રાયોરિટી રીચને વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં કાર્યાન્વિત કરી દેવાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]