ભાજપે બીજી યાદીમાં છ ઉમેદવારો જાહેર કર્યા

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોની ઝુંબેશ તેજ થઈ છે. પહેલા તબક્કામાં જારી નામાંકનની પ્રક્રિયાની વચ્ચે રાજકીય પક્ષો અને ઉમેદવારો જાહેર કરવાનો સિલસિલો પણ જારી છે. ભાજપે વધુ છ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે અત્યાર સુધીમાં કુલ 166 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ અગાઉ ભાજપે 160 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. કુલ 182 બેઠકો પૈકી ભાજપે હજી 16 ઉમેદવારોનાં નામ જાહેર કરવાનાં બાકી છે.

ભાજપે ડેડિયાપાડાથી હિતેશ વસાવા, ખંભાળિયાથી મૂળુભાઈ બેરા, ધોરાજીથી ડો. મહેન્દ્ર પાડલિયાને ટિકિટ આપી છે તો ભાવનગર-પૂર્વથી સેજલ પંડ્યા, કુતિયાણાથી ઢેલીબહેન ઓડેદરા અને ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપી છે.ભાજપે ગોધરાની ગુરુગોવિંદ યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ તથા રાજકોટ જિલ્લા ભાજપમાં ભૂતપૂર્વ પ્રમુખ ડો. મહેન્દ્ર પાડલિયાને ધોરાજી બેઠક પર ટિકિટ આપી છે. જ્યારે ભાજપે ભાવનગર-પૂર્વ પરથી વિભાવરીબહેન દવેની ટિકિટ  કાપી નાખી છે.

ભાજપે પહેલી યાદીમાં 14 મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે બીજી યાદીના છ ઉમેદવારોમાં બે મહિલાને ટિકિટ ફાળવી છે. આમ અત્યાર સુધીમાં ભાજપે 16 મહિલાઓને ટિકિટ આપી છે.

રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે પહેલી અને પાંચ ડિસેમ્બરે મતદાન થશે. આ સાથે આઠ ડિસેમ્બરે રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે, જ્યારે પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે.