અમદાવાદઃ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ મામલે 11 દોષીઓને માફી માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી લેવામાં આવી હતી. આ માફીને પડકારનાર અરજીકર્તા અન્ય કામોમાં વિઘ્ન નાખનારા છે અને તેમનું આ કેસથી કંઈ લેવાદેવા નથી. આ મામલે CBIએ તપાસ કરી હતી, એણે કેન્દ્રથી દોષીઓને માફી આપવાની મંજૂરી આપવા માટે ઉચિત આદેશ લઈ લીધા હતા, એમ રાજ્ય સરકારે કહ્યું હતું.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) નેતા સુભાષિની અલી, સ્વતંત્ર પત્રકાર રેવતી લાઉલ અને લખનઉ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ રૂપ રેખા વર્માની જનહિત અરજી પર જવાબ દાખલ કર્યો હતો. રાજ્ય સરકારનો ગૃહ વિભાગમાં અવર સચિવ મયૂર સિંહ મેતુભા વાઘેલા દ્વારા દાખલ કરલા સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે હું સન્માનપૂર્વક એ જણાવું છું કે જે પરિસ્થિતિઓમાં એ અરજી દાખલ કરવામાં આવી હતી. એનું અવલોકન કરતાં માલૂમ પડ્યું હતું કે અરજીકર્તાને પીડિત વ્યક્તિ નથી, પણ એક અજનબી વ્યક્તિ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 21 વર્ષીય બિલ્કિસ બાનો પર ગોધરા ટ્રેન અગ્નિકાંડ પછી થયેલાં રમખાણો દરમ્યાન સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની ત્રણ વર્ષની પુત્રી સહિત પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના વખતે તે પાંચ મહિનાની ગર્ભવતી હતી.