કેરી ખાવાના શોખીનો માટે માઠા સમાચાર, ઓછા પાકને કારણે કેરી બનશે મોંઘી

અમદાવાદઃ કેરી ખાવાના શોખીનો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસર આ વર્ષે કેરીના પાક પર પડવાના કારણે ગરમીમાં આંબા પર મોર મોડો આવ્યો છે અને તેના કારણે કેસર કેરીનો પાક પણ મોડો આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રભરમાં કેરીના પાકની સ્થિતી અત્યારે આવી જ છે. મોડા પાકના પગલે કેરીના ભાવો પણ સીઝનભર ઊંચા રહેવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. તો અયોગ્ય વાતાવરણના કારણે 40 ટકા જેટલા પાકમાં મોર ફૂટ્યા જ નથી અને એટલા માટે જ કેરીઓ પણ આ વર્ષે ઓછી આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

તો બીજી તરફ જે આંબામાં મોર ફૂટ્યા છે તેના પાકની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું છે. દર વર્ષે એપ્રિલમાં કેરીની હરાજી શરૂ થઈ જાય છે. આ વર્ષે કેરીની હરાજી 5 મેથી શરૂ થાય તેવી શક્યતા છે. કેસર કેરીની હરાજી માટેનું મુખ્ય સેન્ટર તાલાલા યાર્ડ ગણાય છે. ગત વર્ષે કેરીની આવક યાર્ડમાં 10.67 લાખ બોક્સ નોંધાઈ હતી જેનો સરેરાશ બોક્સદીઠ હોલસેલ ભાવ 280 થી 283 રૂપીયા નોંધાયો હતો.

આ વર્ષે પાક ઓછો અને મોડો આવવાની શક્યતા છે અને તેના કારણે કેરીના બોક્સના ભાવોમાં વધારો નોંધાશે તે વાત ચોક્કસ છે. કેરી પકવી રહેલા ખેડૂતોના જણાવ્યા અનુસાર વાતાવરણ અયોગ્ય રહેતા કેરીના પાકમાં 35 થઈ 40 ટકા આંબામાં સમયસર મોર આવ્યો નથી અને જે આંબા પર મોર આવ્યા છે તે મોડા આવ્યા હોવાથી તેની ગુણવત્તા નબળી છે. હજુ પણ કેટલાક આંબામાં ખાકડી કેરી જોવા મળી રહી છે.

અમદાવાદના બજારમાં હજુ કેસર કેરીની સત્તાવાર આવકની શરૂઆત નથી થઇ. હાલમાં રોજનાં ૧પ૦૦થી ર૦૦૦ બોક્સ કેસર અને હાફૂસનાં ૩૦૦૦ જેટલાં બોક્સની આવક છે. હોલસેલ માર્કેટમાં કાચી કેરીનો એક કિલોનો ભાવ ૧પ૦ સુધી છે, જ્યારે હાફૂસનો ૧ કિલો કાચી કેરીનો ભાવ રૂ.૧૭પ છે, જે છૂટક માર્કેટમાં કાચી કેસર રૂ.ર૦૦ ‌પ્રતિકિલોના ભાવે વેચાણ થઇ રહી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]