જૂની ફિલ્મનું એક ગીત છે, અપને લિયે જિયે તો ક્યા જિયે…તુ જી એ દિલ જમાને કે લિયે….અત્યારે દેશભરની વિવિધ હોસ્પિટલમાં, સરકારી સેવામાં , પોલીસ કે અન્ય વિભાગમાં આવા અનેક લોકો છે જેઓ સતત બીજા માટે કામ કરી રહ્યા છે. રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મનોહરિસિંહ જાડેજાનું નામ આ સમુદાયમાં થોડું વિશેષ રીતે એટલા માટે લેવું પડે એમ છે, કારણ કે દસ વર્ષનો પુત્ર બીમાર છે અને આ ઓફિસર શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં વ્યસ્ત છે.
ડીસીપી મનોહરસિંહ જાડેજાનો દસ વર્ષનો પુત્ર ક્ષિતિજ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એનાં બન્ને આંતરડાં ચોંટી ગયા છે. જો ડોક્ટર કહેશે તો એનું ઓપરેશન પણ કરવું પડશે. પિતા કોઈ પણ હોદ્દા પર હોય. કોઇ પણ ક્ષેત્રમાં હોય, દીકરાના આવા સંજોગમાં એ ફરજ પર ન જાય એ સ્વાભાવિક છે. પરંતુ અહીં કહાની કુછ ઔર હૈ. જ્યારે સમય મળે ત્યારે જાડેજા સાહેબ હોસ્પિટલે જઈ આવે. બાકી ફોનથી પરિવારના સંપર્કમાં રહે છે.
આ તો એક પ્રતીક છે. વિવિધ તંત્રમાં આવા અનેક અધિકારી, કર્મચારી છે જેઓ ઘર-પરિવારને ભૂલીને પોતાનું કામ કરી રહ્યા છે. જો પોલીસ આટલી હદે ફરજનિષ્ઠ હોય તો પ્રજાએ ઘરની બહાર નીકળવાને બદલે લોકડાઉનનો પણ અમલ તો કરવો રહ્યો, કારણ કે આ અધિકારીઓ આપણા માટે જ જો જાગે છે નહીં કે ફક્ત પોતાના માટે.
(જ્વલંત છાયા-રાજકોટ)