26 જુલાઈ ‘કારગિલ વિજય દિવસ’ દેશના ઇતિહાસના સોનેરી પાને આલેખાયો છે. પરંતુ કોઇને જરાય વિશ્વાસ ન બેસે કે આ યુદ્ધના કારણે અનેક લોકોની દેશદાઝ છતી થઇ. તેમાંથી એક છે ગુજરાતી પ્રથમ મહિલા આર્મી ઓફિસર(વેટરન) કેપ્ટન મીરા દવે.
કારગિલ યુદ્ધની મહત્વની ભૂમિકા
માત્ર 9 વર્ષની ઉંમરે મીરાએ દેશ માટે કઇ કરી છુટવાની ભાવના સાથે આર્મીમાં જોડાવાનું સ્વપ્ન જોયું. જેને સાકાર કરી ગુજરાતની સાથે સાથે દેશની ગરિમા પણ વધારી. ભારતીય સેનાના ‘આર્મી ઓર્ડીનન્સ કોરમાં જોડાયા બાદ લેફ્ટનન્ટથી કેપ્ટન સુધીની મીરાની કારકિર્દી સૌના માટે પ્રેરણાદાયી છે.
મૂળ સુરતના કેપ્ટન મીરાના આર્મી ઓફિસર બનવાના સ્વપ્નને કારગિલ યુદ્ધે મક્કમતાની કેડી કંડારી આપી. તમામ સંઘર્ષોને પાર કરી વર્ષ ૨૦૦૬ માં ૨૩ વર્ષની ઉંમરે કેપ્ટન મીરાએ ‘સુરતની પ્રથમ ગુજરાતી મહિલા’ આર્મી ઓફિસર તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેફટનન્ટ તરીકે શપથ લીધા. ઝૂલોજીમાં સ્નાતક અભ્યાસ દરમ્યાન કેપ્ટન મીરાએ એન.સી.સી.ની તાલીમ લીધી અને બાયો ટેકનોલોજીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ ઈન્ડિયન આર્મીમાં ઓફિસર તરીકે જોડાવાની તૈયારીઓ શરૂ કરી.
હું હંમેશા આર્મી ઓફિસર બનવાનું સપનું જોતી
‘સુરતથી સરહદ સુધીની સફર’ ખેડનાર કેપ્ટન મીરા પોતાના અનુભવો વાગોળતા કહે છે કે, નાનપણમાં ચેન્નઈ ખાતે ઈન્ટરનેશનલ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ દરમ્યાન અવારનવાર ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીની બહાર લાગેલા ‘જોઈન ઈન્ડિયન આર્મી’ના પોસ્ટરો જોઈ હું હંમેશા આર્મી ઓફિસર બનવાનું સપનું જોતી હતી.” ૧૯૯૯ના કારગિલ યુદ્ધથી મળેલી પ્રેરણા અને દેશદાઝ વિષે વાત કરતા કેપ્ટન મીરાએ કહે છે, “એ સમયે હું ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. મીડિયાના માધ્યમથી કારગિલ યુદ્ધના સમાચાર સાંભળતી ત્યારે દેશ માટે કંઈક કરી છૂટવાની મારી ઈચ્છા પ્રબળ બનતી. માટે જ સ્નાતક અભ્યાસ દરમ્યાન એન.સી.સી.નું પ્રશિક્ષણ લીધું.” પસંદગીની વિશે વાત કરતા મીરા કહે છે, “પ્રથમ પ્રયાસે મારા રેકમેન્ડેશન બાદ શારીરિક પરીક્ષણ માટે પસંદગી થઈ, માથાના વાળથી લઈ પગના નખ સુધી તમામ અંગોની શારીરિક ચકાસણી થવાની સાથે જ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં અડગ માનસિક ક્ષમતાની પણ આકરી કસોટી કરવામાં આવે છે, જેમાં હું સાંગોપાંગ ઉત્તીર્ણ થઇ.
2006માં લેફટનન્ટ તરીકે પદગ્રહણ કરી રાજસ્થાન બોર્ડર પર લાલગઢ ચટ્ટામાં પ્રથમ પોસ્ટિંગ સાથે કારકિર્દીની શરૂઆત કરી. ત્યાર પછી તો જબલપુર, પૂના, લેહ લદ્દાખ, કશ્મીરમાં અલગ અલગ સ્થળે ફરજ બજાવી.”
એક યાદગાર અનુભવ..
ભારતીય સેનાના ‘આર્મી ઓર્ડીનન્સ કોર’માં જોડાયા બાદ લેફ્ટનન્ટથી કેપ્ટન સુધીની સફરનો એક યાદગાર અનુભવ વિશે વાત કરતા મીરા કહે છે, વર્ષ ૨૦૦૭થી ૨૦૦૯ માં કશ્મીરના બારામુલ્લામાં ‘ઓપરેશન સદ્દભાવના’ અંતર્ગત આતંકવાદનો ભોગ બની પોતાના ભાઈ, પિતા, પુત્ર કે પતિ ગુમાવ્યા હોય એવી કશ્મીરી પીડિત મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુ સાથે ૭ કાશ્મીરી મહિલાઓને વિશ્વાસમાં લઈ લખનૌની ઉષા એકેડમીમાં ફેશન ડિઝાઈનિંગના સર્ટિફિકેટ કોર્સ માટે મોકલી. પ્રશિક્ષિત થઈને પરત ફરેલી આ મહિલાઓએ અન્ય મહિલાઓને શિક્ષિત કરી. આવી ૧૫૦ મહિલાઓને ભારતીય સેના દ્વારા સિલાઈ મશીન અપાવી આત્મનિર્ભર બનાવી હતી. જે માટે મને ‘ગોલ્ડ મેડેલિયન ઍવોર્ડ’થી સન્માનિત કરાઈ.
કેપ્ટન મીરા દવે, ૪ ગુજરાત એન.સી.સી બટાલિયનના પ્રથમ અને એકમાત્ર મહિલા આર્મી ઓફિસર બન્યા છે, અને તેઓ ૪ ગુજરાત એન.સી.સી બટાલિયનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
આર્મી વ્યવસાય નહીં, જીવન જીવવાની કળા શીખવતું શિક્ષણકેન્દ્ર
આર્મી ઓફિસર તરીકેની વિશેષતાઓ અંગે વાત કરતા કહે છે કે, ‘આર્મી એક વ્યવસાય નહીં, પણ જીવન જીવવાની અદભૂત કળા શીખવતું શિક્ષણકેન્દ્ર છે’. શોર્ટ સર્વિસ કમિશન થકી દેશસેવાના ૧૪ વર્ષોને જીવનના સૌથી સુવર્ણ વર્ષો ગણાવતા કેપ્ટન મીરા તેમની પ્રગતિનો શ્રેય માતા પિતાના સાથ સહકાર અને પતિના માર્ગદર્શનને આપે છે.
આર્મીમાં સેવા આપ્યા બાદ કેપ્ટન મીરાએ વિશ્વપ્રસિદ્ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM, Ahmedabad)માં શિક્ષણ મેળવી કોર્પોરેટ સેકટરમાં સેવા આપી અને હવે સુરત ખાતે જ સ્થાયી થઈ પતિ સિદ્ધાર્થ દવે સાથે DMP સિક્યુરિટી કંપની અને માર્ક સક્સેસ પ્રા.લિ. ગ્લોબલ એજ્યુકેશન કંપનીનું સંચાલન કરે છે
કેપ્ટન મીરાના જીવનમાં વિજયનો દિવસ એવો ૨૬ જુલાઈ-કારગિલ વિજય દિન ખાસ મહત્વ ધરાવે છે. ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ‘ઓપરેશન વિજય’ દ્વારા પાકિસ્તાની સેના પર ઐતિહાસિક જીત હાંસલ કરતા ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને બિરદાવવા ૨૬ જૂલાઈએ દેશભરમાં ‘કારગિલ વિજય દિવસ’ અર્થાત ‘વિજય દિન’ તરીકે ઉજવાય છે.
(વૈભવી શાહ)
