સાબરકાંઠા: પ્રાંતીજમાં ફરી એક વખત વિદેશમાં જઈ માલામાલ થવાની ઘેલછાએ એક યુવકો પોતાનો જીવ ગુમાવ્યાના સમાચાર મળી રહ્યા છે. એક યુવક પોતાની પત્ની અને એક બાળક સાથે ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ડન્કી રૂટથી અમેરિકા પહોંચતા પહેલા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોત બાદ તેની પત્ની અને બાળક નિકારાગુઆ અટવાયા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે યુવકે પોતાની જમીન વેચી અને એક કરોડથી વધુની રકમ એજન્ટને આપી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીના પ્રયાસમાં વધુ એક ગુજરાતી યુવકનું કરુણ મોત થયું છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના રહેવાસી દિલિપ પટેલ નામના યુવકે પોતાની પત્ની અને બાળક સાથે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી માટે એજન્ટોનો સહારો લીધી હતો. એકથી દોઢ મહિના પહેલા યુવકને નિકારાગુઆથી અમેરિકા પહોંચડવા માટે એજન્ટ દ્વારા ગોઠવણ કરવવામાં આવી હતી. આ પછી યુવક તેની પત્ની અને બાળક સાથે રવાના થયો હતો. જો કે, નિકારાગુઆ ખાતે યુવકની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. નિકારાગુઆમાં યુવકની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં ડાયાબિટીસની દવા ન મળતા યુવક કોમામાં જતો રહ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે હવે યુવકનું મોત નીપજતાં મૃતક યુવકના પત્ની અને બાળક નિકારાગુઆ અટવાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતક યુવકનો પરિવાર સરકાર પાસે મદદની માગ કરી રહ્યું છે. બીજી તરફ, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ ન થાય તે માટે એજન્ટો દ્વારા મૃતકની માતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ ગુજરાતના અનેક લોકો ડન્કી રૂટ મારફતે અમેરિકા જવાના પ્રયાસમાં જીવ ગુમાવી ચૂક્યા છે.
