અમદાવાદઃ વિઘ્નહર્તા ગણેશની ચતુર્થીના પવિત્ર દિવસથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. કોરોના વાયરસના રોગચાળાની વચ્ચે 2020ના વર્ષમાં ગણેશોત્સવમાં સાદગી અને સંયમ જોવા મળી રહ્યો છે.
તહેવારોની મોસમ રક્ષાબંધન તહેવારની સાથે થઈ ગઈ હતી. ત્યાર બાદ શ્રાવણ માસની પૂર્ણાહુતિ થતાની સાથે આજથી ગણેશચર્તુર્થીના પર્વનો પ્રારંભ થયો છે.
જોકે કોરોનાને પગલે આ વખતે જાહેર ગણેશોત્સવ પર પ્રતિબંધ છે અને ઘરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાની અપીલ કરવામાં આવી છે.
સામાન્ય સંજોગોમાં ગણેશોત્સવ આવે એટલે મોટા પંડાલ અને વિશાળ મૂર્તિઓ પણ જોવા મળે. સૌથી ડેકોરેટિવ ગણાતા ગણેશજીની વિવિધ મૂર્તિઓનાં પણ દર્શન થાય, પરંતુ આ વર્ષે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવમાં ગણપતિનું સ્વરૂપ નાનું અને ઈકો ફ્રેન્ડલી વધુ જોવા મળે છે.
જાહેર ગણેશોત્સવની જગ્યાએ સૌકોઈ પોતાના ઘરે જ માટીના ગણેશજીની સ્થાપના કરી પૂજા-અર્ચના અને આરાધના કરી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)