અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી માવઠાનો માર પડી રહ્યો છે. કચ્છના મોટા ભાગના તાલુકાઓમાં માવઠાનો માર છે. બીજી તરફ, જામનગર, જૂનાગઢ, દાહોદ, વલસાડ અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં પણ માવઠાનો માર છે. એને લઈને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
રાજ્ય સરકારના અંદાજ મુજબ મહિના પહેલાં કરવામાં આવેલા સર્વે મુજબ ખેડૂતોને 42,210 હેકટર્સમાં 33 ટકા નુકસાન થયું છે. જોકે સરકારે કેટલા રૂપિયાનું નુકસાન થયું છે, એ નથી જણાવ્યું. જોકે ખેડૂતોને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયાની આશંકા છે. દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં પરિવર્તનને લીધે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. રાજ્યના 30 જિલ્લાના 198 તાલુકાઓમાં એકથી 47 મિમી કમોસમી વરસાદ થયું છે.
બીજી બાજુ સરકારે સરકારે ખેડૂતો માટે કમોસમી વરસાદમાં પાક નુકસાની અંગે વિશેષ પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચમાં દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકસાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે.
ગાંધીનગરમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં કેબિનેટ બેઠકમાં લેવાયેલા ખેડૂતોને રાહત જાહેર કરવામાં આવી છે. રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકસાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનીધીઓની રજૂઆતો મળી હતી.
તેમણે ઉમેર્યું હતું કે ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રા. 13,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યાર સુધીની સૌથી વધુ એવી વધારાની રૂપિયા 9500 પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂપિયા 23,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં SDRFના નિયમો મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ. 18,000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂપિયા 12,600 પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂપિયા 30,600 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.