વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઈમેટ પર ભાર મુકતું AMCનું ડ્રાફ્ટ બજેટ થશે રજૂ

અમદાવાદ: દેશનું કેન્દ્રીય બજેટ રજૂ થઈ ચૂક્યું છે. જે બાદ હવે એક પછી એક રાજ્ય અને મહાનગરોનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં પહેલીવાર ‘ક્લાઈમેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ની થીમ બજેટમાં જોવા મળશે. ગત વર્ષની સરખામણીએ બજેટની રકમમાં 25 ટકાથી વધુનો વધારો કરાયો છે. આ વર્ષે બજેટનું કદ 13,500 કરોડથી વધુનું હશે. ગત વર્ષે 10,801 કરોડનું બજેટ રજૂ થયું હતું. આજે મ્યુનિ. કમિશનર થેન્નારસન ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. બજેટમાં 22 નવા ગાર્ડનની સાથે તળાવો તૈયાર કરવાની જાહેરાત કરાશે. તેમજ નવા ડેવલપ થયેલા વિસ્તારોની સાથે અમુક હયાત વિસ્તારોમાં સારી સ્થિતિમાં ન હોય તેવા ગાર્ડનને પણ રિનોવેટ કરાશે. આ ઉપરાંત 40 ટકાથી વધુ રકમ રોડ પાછળ ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે.

આ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં કોર્પોરેશન દ્વારા મધ્યમવર્ગને લોકો ખાસ સુવિધા વિકસલાવવા માટેની જાહેરાતો કરવામાં આવશે. આ વર્ષના બજેટમાં મ્યુનિ. નવા આવાસો બનાવવાની જાહેરાત કરશે. હાલના મ્યુનિસિપલ માર્કેટના સ્થાને નવા માર્કેટ તૈયાર કરી આવક ઉભી કરાશે. અર્બન પ્લાઝા તૈયાર કરવા માટે પ્લાનિંગ આ બજેટમાં કરાશે. જાસપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાનની ક્ષમતામાં વધારો કરાશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબની જાહેરાત કરશે. જ્યાં એક જ સ્થળે રેલવે, બસ સહિતની સવિધા મળશે. નવા વર્ષે પણ મિશન થ્રી મિલિયન ટ્રીનું આયોજન કરાશે. જેની માટે અલગથી બજેટની ફાળવણી કરાશે. ફાયર માટે નવા સાધનોની ખરીદી માટે પણ બજેટની ફાળવણી કરાશે. રોડ, ડ્રેનેજ, પીવાના પાણી માટે લોકોએ કરેલા તમામ સુચનોને બજેટમાં સાંકળી લેવાયા છે. નવા વિસ્તારોમાં પીવાના પાણીની ટાંકી અને વોટર નેટવર્ક વધારવા માટે પણ મોટી રકમની ફાળવણી કરાશે. રોડને લઇને વારંવાર અધિકારીઓને કમિશનર દ્વારા ટકોર કરાઇ હતી. વ્હાઇટ ટોપિંગ રોડ, આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડના નવા પ્રોજેક્ટની જાહેરાત કરાશે. બજેટની જાહેરાતમાં રોડ- રસ્તા માટે ગયા વર્ષની સરખામણીએ 40 ટકા વધુ રકમની ફાળવણી કરાઇ છે. વધુ સંખ્યામાં વ્હાઇટ ટોપિંગ રોડ અને વોલ-ટુ-વોલ રોડ તૈયાર કરાશે. જેથી લોકોને ધૂળિયા રોડમાંથી મુક્તિ મળશે.