અમદાવાદ તા. 14 એપ્રિલ,૨૦૨૨: અદાણી સમૂહ દ્વારા સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકમાં સાડા ત્રણ કિ.મી. લાંબા રનવેના રીકાર્પેટીંગની કામગીરી માત્ર ૭૫ દિવસના વિક્રમજનક ગાળામાં પૂર્ણ કરવામાં આવી છે. આ સમયગાળો ભારતના સમગ્ર બ્રાઉન ફિલ્ડ રનવેમાં સર્વશ્રેષ્ઠ છે.
અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક કોવિડના સમય પૂર્વે દરરોજની ૨૦૦ ફ્લાઇટની અવરજવરથી ધમધમતું ગુજરાતનું સૌથી વ્યસ્ત મથક છે. નિયત ફ્લાઇટ્સના સમયપત્રકને અસર કર્યા વિના રનવેના રીકાર્પેટીંગની કામગીરી ફક્ત નવ કલાકના ’નોટમ’ (નોટિસ ટુ એરમેન)નો ઉપયોગ કરી માળખાકીય ક્ષેત્રમાં કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા અદાણી ઉદ્યોગ સમૂહની અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.એ પડકારને ઝીલી લઇ હલ કર્યો છે.
આ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે લઇ જવા માટે માત્ર ૭૫ દિવસ કંપનીએ લીધા હતા. દિવસના બાકીના ૧૫ કલાક દરમિયાન સરેરાશ રોજની ૧૬૦ ફ્લાઇટ્સ માટે સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે રનવે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. આ રનવે માટે ૨૦૦ કિ.મી.ના રોડની લગોલગ જથ્થામાં ડામર પાથરવામાં આવ્યો છે જ્યારે ૪૦ મજલાની ઇમારતમાં વપરાય તેટલી કોંક્રીટનો ડ્રેનેજ સિસ્ટમ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.
અદાણી સમૂહે નવેમ્બર-૨૦૨૦માં એસવીપી આંતર રાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન સંભાળ્યું ત્યારે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.ને રનવેની ગુણવત્તા ઉચ્ચ ધોરણને અનુરુપ નહી હોવાનું તેમજ ડ્રેનેજ રનવેને અવરોધક હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. રનવે રીકાર્પેટીંગનો પ્રોજેકટ ઉદ્યોગોના ધોરણો અનુસાર ત્રણ કેલેન્ડર વર્ષમાં બે તબક્કામાં પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. પરંતુ કંપનીએ સમગ્ર કામગીરી શક્ય તેટલા ઓછા સમયમાં પૂરી કરવાનો પડકાર ઝીલી લીધો હતો.