હિંસા પૂર્વયોજિત, વિદેશમાં ઘડાયેલું કાવતરું: ગુજરાત પોલીસ

અમદાવાદઃ રામનવમીના દિવસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં તેમજ દેશના અન્ય અમુક રાજ્યોમાં થયેલા કોમી રમખાણોની ઘટનાઓ વિશે ગુજરાત પોલીસે મોટો દાવો કર્યો છે. પોલીસનું કહેવું છે કે રામનવમીના દિવસે દેશમાં કોમી એકતા બગાડવા માટે વિદેશમાં એક કાવતરું ઘડવામાં આવ્યું હતું.

એક અહેવાલ અનુસાર, આણંદ પોલીસના દાવામાં જણાવાયું છે કે વિદેશમાં સક્રિય અમુક સંગઠનો મારફત રામનવમીના દિવસે દેશમાં કોમી શાંતિ બગાડવાનો પ્રયાસ કરાયો હતો. તે એક સુયોજિત કાવતરું હતું. ખંભાતમાં 1 મૌલવી અને એમના બે સહાયક મૌલવી તે કાવતરામાં સામેલ હતા. એમણે જ ખંભાતમાં હિંસા ફેલાવી હતી. ખંભાત અને હિંમતનગરમાં રામનવમી તહેવાર નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી ત્યારે પથ્થરમારો કરાયો હતો એને કારણે હિન્દુ અને મુસલમાન કોમનાં લોકો આમનેસામને આવી ગયા હતા. પથ્થરમારા અને આગ લગાડવાના બનાવ બન્યા હતા.

ખંભાતમાં થયેલી હિંસામાં આધેડ વયના એક હિન્દુનું મૃત્યુ નિપજ્યું હતું તથા અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે 9 જણની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે રવિવારે રામનવમીના દિવસે શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકોની કોમી લાગણીને ભડકાવવા માટે શનિવારે રાતે જ ખંભાતની બહારથી અમુક લોકોને બોલાવી લેવામાં આવ્યા હતા. હિંસા કરવા માટેના પથ્થર અને અન્ય ચીજવસ્તુઓને પણ એકઠી કરી લેવામાં આવી હતી. આરોપીઓને કહેવામાં આવ્યું હતું કે શોભાયાત્રા મસ્જિદની પાસેથી નીકળે ત્યારે એની પર પથ્થરમારો કરવો. એમને બાદમાં કાનૂની મદદ આપીને બચાવી લેવામાં આવશે. આરોપીઓએ એ પ્રમાણે જ કર્યું હતું.

ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ હિંસાની ઘટના અંગે રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે હિંમતનગર ખાતે બેઠક યોજી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]