પાંચ કિલોની પાઘલડી પહેરીને ઝૂમતો પાઘડીમેન…

નવરાત્રિમાં લોકો મન મૂકીને ગરબા પર ઝૂમતા હોય છે ત્યારે લોકોનું ધ્યાન ખેચવા યુવાનો કપડા અને પાઘડી સાથે અવનવા પ્રયોગ કરતા હોય છે. કોઇ ખેલૈયા નવી થીમ પર ગરબાના સ્ટેપ ઈનોવેટ કરી લાવે તો કોઈ કપડાં પર નવી ડિઝાઈન ચીતરાવીને આવે.

આવા જ એક ખેલૈયા એટલે અમદાવાદના પાઘડીમેન. આ પાઘડીમેન છેલ્લાં કેટલાક વર્ષોથી નવરાત્રિમાં ધૂમ મચાવી રહ્યા છે. એમનું નામ છે અનુજ મુદલિયાર.

આ વર્ષે અનુજે પાંચ કિલો વજન ધરાવતી પાઘડી તૈયાર કરી છે. આત્મનિર્ભર ભારત થીમ પર તૈયાર થયેલી આ પાઘડી ખાસ છે. નોંધનીય છે કે અનુજ મુદલિયાર દર વર્ષે અલગ અલગ પ્રકારની થીમ પર પાઘડી તૈયાર કરતા હોય છે.

આત્મનિર્ભરથીમની પાઘડી વિશે વાત કરતાં અનુજ મુદલિયાર ચિત્રલેખા.કોમને કહે છે, ‘હું છેલ્લા સાત વર્ષથી આ પ્રકારે પાઘડીની જુદી જુદી ટ્રેડિશનલ થીમ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરુ છું. આ વર્ષે પાઘડીમાં મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા સાથે આગામી 2029ની ચૂંટણી માટે શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ ડાયમંડ સિટી સુરતના ડાયમંડ બુર્સને પાઘડીમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.’

ઉલ્લેખનીય છે કે, આ પાઘડી પાછળ અનુજે 35000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. એનું કુલ વજન 5 કિલોગ્રામ છે. પાંચ કિલોની પાઘડી સાથે અનુજ પાંચ કિલો વજનનું કેડીયું પહેરીને મેદાનમાં ઉતરશે.

અગાઉ અનુજ વર્ષ 2017માં GSTની થીમ, 2018 હેરિટેજ થીમ, 2019માં મોદી પાઘડી, 2020માં કોરોના વોરિયર્સ થીમ પર અને 2021માં રિયલ હીરો સોનુ સુદ થીમ પર પાઘડી બનાવડાવીને ગરબા રમી ચૂક્યા છે. 2022માં આઝાદીના 75 વર્ષની ઉજવણીની થીમ પર પાઘડી તૈયાર કરી હતી.

(તેજસ રાજપરા)