અમદાવાદ મેયર સહિત અગ્રણી મહિલાઓએ પાણીપુરી ખાઈ ટ્રાફિક સહયોગના શપથ લીધાં

અમદાવાદ– મહિલાઓની પ્યારી વાનગી પાણીપુરી ખૂબ ચર્ચામાં છે. એકતરફ રાજ્યના કેટલાક શહેરમાં અશુદ્ધ ખાદ્યપદાર્થો વિરુદ્ધની ઝૂંબેશને લઇને પ્રતિબંધિત કરી દેવાઇ છે. ત્યારે અમદાવાદ શહેરમાં આજે શુદ્ધ પાણી પુરી-ગોલગપ્પા ખાવાની કોમ્પિટિશન યોજાઇ ગઇ.શહેરના ગુજરાત કોલેજ વિસ્તારમાં ઓરિએન્ટ ક્લબમાં 500 કરતાં વધારે મહિલાઓની ઉપસ્થિતિમાં ગોલગપ્પા કલબે આ કોમ્પિટિશન યોજી હતી.

મોટી સંખ્યા ઉપસ્થિત મહિલાઓની આ સ્પર્ધાની શરુઆત અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલ, આઈપીએસ પન્ના મોમાયા, રીજનલ પાસપોર્ટ ઓફિસર-આઈએફએસ નીલમ રાનીએ કરાવી હતી. જાણીતા મહિલા સામાજિક અગ્રણી રુઝાન ખંભાતા, ગ્રીષ્મા ત્રિવેદી, જેવા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ગોલ ગપ્પાની સ્પર્ધા લોકોએ માણી હતી.આ સ્પર્ધાની શરુઆતમાં જ મહિલા પોલીસ અધિકારી પન્ના મોમાયાએ હાલ શહેરની ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા મથી રહેલા તંત્રને નાગરિકો તરફથી સહયોગ મળે એ માટેના શપથ લેવડાવ્યાં હતાં. તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ