અમદાવાદઃ દર વર્ષે ચોમાસાની સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે. છે. હાલ અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક શહેરોમાં રોગચાળાએ ભરડો લીધો છે. જેને લઈને ઘેરેઘેર માંદગીના વાવડ છે. વાદળછાયા વાતારણ અને ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. બીજી બાજુ, ચોમાસાની ઋતુને લઇને પાણીજન્ય રોગચાળાએ પણ હાલ અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 407 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કાળો કહેર વર્તાયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો નોંધાયો છે. ચાલુ મહિના ઓગસ્ટની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના 407 કેસ સાદા મલેરિયાના 111 કેસ, ઝેરી મલેરિયાના 7 કેસ, ચિકનગુનિયાના નવ કેસ, ઝાડા-ઊલટીના 619 કેસ, ટાઈફોઈડના 467 કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં કમળાના 114, કોલેરાના 20 કેસ નોંધાયા છે.
આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું
આરોગ્ય તંત્ર હવે પણ સફાળું જાગ્યું છે અને AMC દ્વારા મચ્છરોની બ્રિડિંગ સાઇટને લઇને ચેકિંગ હાથ ધરાયુ હતું. બાંધકામ સાઇટ, શાળા, હોસ્પિટલો સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બીબી બાજુ, સુરતમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. રોગચાળાથી ચાલુ સીઝનમાં વધુ 2 લોકોનાં મોત સાથે કુલ 30થી વધુ લોકોનાં મોત થતાં હાહાકાર મચી ગયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો જીવલેણ બની ગયો છે.