અમદાવાદઃ અહીં ચાલી રહેલા ‘U20 મેયરલ સમીટ’ના ચર્ચા સત્રોના ચાર વિષયો પૈકી એક છે – “વિકાસના મુખ્ય પ્રવાહમાં મહિલાઓનો સમાવેશ”. આ હેતુને ચરિતાર્થ કરતો પ્રશંસનીય પ્રયાસ અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ કર્યો છે.
આ જ શૃંખલામાં તેઓ સાણંદ તાલુકાના ચેખલા ગામે પહોંચ્યા હતા. જ્યાં ગામમાં ઉપલબ્ધ વિવિધ સરકારી સુવિધાઓ તેમજ નિર્માણ કાર્યોની સમીક્ષા કરી તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત તેમણે ‘સખી મંડળ’ની બહેનો સાથે પણ વિચારવિમર્શ કર્યો હતો. સખી મંડળના માધ્યમથી મહિલાઓ ઊનની હાથવણાટની વિવિધ વસ્તુઓ બનાવે છે. આ પ્રવૃત્તિને કારણે મહિલાઓ આર્થિક ઉપાર્જન તો કરી જ રહી છે. સાથોસાથ આત્મવિશ્વાસમાં વધારો થવાની સાથે તેમને પગભર પણ બનાવે છે. દવેએ સખીમંડળની બહેનો દ્વારા હાથવણાટથી બનાવાયેલા ઊનના રૂમાલની ખરીદી કરી હતી અને બહેનોને વધુ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત કરી હતી.
ચેખલા ગામે કુલ ૪૮ સખી મંડળો કાર્યરત છે. જેમાં ૫૧૦થી વધુ મહિલાઓ જોડાઈ છે. આ મહિલાઓ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મળતા ધિરાણનો ઉપયોગ કરીને ચોખાનાં પાપડ, તોરણ, હાથવણાટની વિવિધ વસ્તુઓ, કટલરી સ્ટોર સહિતની આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ છે.