અમદાવાદઃ બ્રહ્માકુમારીની ભગીની સંસ્થા રાજયોગ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફોઉન્ડેશનની મેડીકલ પ્રભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા, રાષ્ટ્રવ્યાપી નશામુક્ત ભારત અભિયાનના ભાગ રૂપે બ્રહ્માકુમારી મહાદેવનગર દ્વારા આયોજિત વ્યસનમુક્તિ રથને કલેકટરના શુભ હસ્તે લીલકી ઝંડી આપી અભિયાનનો શુભારંભ થયો. બ્રહ્માકુમારીના ભાઈ-બહેનો અમદાવાદ અને આસપાસના ગામોમાં જઈ લોકોને ડ્રગ્સના વ્યસનથી દૂર રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
બ્રહ્માકુમારી, મહાદેવનગર સબઝોનના ડાયરેકટર બીકે ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે,” ભારતને સંપૂર્ણપણે નશા કે વ્યસનથી મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ” બે વર્ષમાં, નશામુક્ત ભારત અભિયાન હેઠળ દેશભરમાં કુંભ મેળા સહિત 28 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશ મળીને 17381 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા, લગભગ ૩ કરોડ 26 લાખ લોકોને ડ્રગ્સના વ્યસનના દુષ્પ્રભાવો અને તેનાથી થતા સામાજિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક નુકસાનથી વાકેફ કરવામાં આવ્યા છે. લગભગ 2 કરોડ 86 લાખ લોકોને હંમેશા ડ્રગ્સ મુક્ત રહેવા અને વ્યસનથી દૂર રહેવા માટે સ્થળ પર જ પ્રતિજ્ઞા અને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
આ ઝુંબેશ 28 રાજ્યોના 345 જિલ્લાઓમાં ચલાવવામાં આવી રહી છે
દેશના 28 રાજ્યોના 396 જિલ્લાઓમાં સભાઓ, સંમેલન, શેરી નાટકો, પરિસંવાદો, પ્રદર્શનો અને રેલીઓ દ્વારા લોકોને વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. દેશના 11947 શહેરો અને નગરોને આવરી લેવા ઉપરાંત, 5428 ગામડાઓમાં સામાન્ય લોકો, ગ્રામજનો અને ખેડૂતોને રાજયોગ ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાન આપીને વ્યસનથી દૂર રહેવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. દેશભરમાં મેડિકલ વિંગ સાથે સંકળાયેલા 2 લાખો બ્રહ્માકુમાર ભાઈઓ અને બહેનો દેશભરની 6744 શાળાઓ અને કોલેજોના 1757322 વિદ્યાર્થીઓ સુધી સંદેશ પહોંચાડવા પહોંચ્યા. જ્યાં તેમને વ્યસનથી દૂર રહેવાનું અને તેમના પરિવારના સભ્યોને પણ વ્યસનથી દૂર રાખવાનું કહેવામાં આવ્યું.
આ ઝુંબેશ ત્રણ વર્ષ સુધી દેશભરમાં ચલાવવામાં આવશે.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને બ્રહ્માકુમારી સંસ્થાની તબીબી શાખા વચ્ચે ત્રણ વર્ષ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત, દેશભરમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવીને દસ કરોડ લોકોને ડ્રગ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ, સેમિનાર, પ્રેરક કાર્યશાળાઓ, રેલીઓ, પ્રદર્શનો અને શેરી નાટકો દ્વારા જાગૃતિ લાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, મેડિકલ વિંગ છેલ્લા 35 વર્ષથી ડ્રગ વિરોધી ઝુંબેશ ચલાવી રહી છે.
કાઉન્સેલિંગ પણ કરી રહ્યા છીએ
બ્રહ્મા કુમાર ભાઈઓ અને બહેનો દ્વારા ડ્રગ્સના વ્યસનની ચંગુલમાં ફસાયેલા લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને રાજયોગ ધ્યાનની પદ્ધતિ શીખવીને તેમનો આત્મવિશ્વાસ વધારવા માટે પણ પ્રેરણા આપવામાં આવી રહી છે. વ્યસન વ્યક્તિને વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આર્થિક રીતે કેવી રીતે નબળું પાડે છે અને સામાજિક પ્રતિષ્ઠાને કેવી રીતે બગાડે છે તે બતાવીને લોકોને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
