અમદાવાદ– ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ મહાનગર સાથે રાજ્યના જિલ્લા મથકોને હવાઇ માર્ગે જોડવાની દિશામાં આજે શરુ થયેલી અમદાવાદ-ભાવનગર-સૂરતની ફ્લાઇટ ઉડાણ ભરી ચૂકી છે. સસ્તી વિમાનયાત્રાના સરકારના પ્રયત્નોની દિશામાં આ ફ્લાઇટ તમને સસ્તામાં અને ઓછા સમયમાં નિશ્ચિત શહેરમાં પહોંચાડી આપશે. ઉડ્ડયન સેવાના પ્રારંભે પ્રથમ ફ્લાઇટને વધાવવા માટે વોટર કેનન સેલ્યૂટ આપવામાં આવી હતી.
એર ઓડિશા દ્વારા અમદાવાદ-ભાવનગર-અમદાવાદ હવાઇ સેવા અને ભાવનગર-સૂરત-ભાવનગર સેવાનો પ્રારંભ થયો છે. આ વિમાનસેવાના પ્રારંભ સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ઉડ્ડયનપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિત રહ્યાં હતાં.
વેપારધંધા માટે વારંવાર અવરજવર કરતાં લોકો અને વેકેશનગાળામાં ઝડપથી આ શહેરોમાં પહોંચવા ઇચ્છતાં લોકોને આ વિમાનીસેવાથી ઘણો લાભ થશે. અમદાવાદથી ભાવનગર સુધીની 40 મિનિટમાં હાઇ સફર થશે. અત્યાર સુધી ભાવનગર જવામાં કલાકો વેડફાય છે તે બચશે.આ ફ્લાઇટ ભાવનગરથી ઉપડીને ઉડ્ડયનપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના પ્રવાસીઓને લઇને સૂરત એરપોર્ટ પહોંચી હતી.