સૂરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના પરિવારની ખોજ તેજ બનાવાઇઃ ગૃહરાજ્યપ્રધાન

સૂરત– સૂરતના ભેસ્તાન વિસ્તારમાં 11 વર્ષની બાળકીનો વિકૃત થયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેના મૃતદેહ પર ઈજાના 86 નિશાન જોવા મળ્યા હતા, તેના પર અત્યાચાર અને દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની સંભાવના છે. સૂરતની પાંડેસરા પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે ઘટના બની તે દિવસથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. બાળકીના પરિવારજનોની ભાળ મળી નથી, જેથી સૂરત પોલીસ દ્વારા 1200 જેટલા પોસ્ટરો છપાવીને અનેક સ્થળોએ લગાવવામાં આવ્યાં છે.

આ બાળકીની ઓળખ થાય તે માટે મિસીંગ ચાઈલ્ડના 8000 જેટલા ફોટા છે, જેની સાથે તેને મેચ કરવામાં આવી રહ્યાં છે. તે ઉપરાંત ઓડિશાના પોલિસવિભાગ-સીપી સાથે સંપર્ક કરીને બાળકીની વિગતો સોંપવામાં આવી છે. રાજ્યના ડીજીપી અને ક્રાઈમ બ્રાન્ચ તે દિવસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. મોબાઈલના ડેટાની વિગતો મેળવી રહી છે. તેમ જ બાળકી પર દુષ્કર્મ કરનારા આરોપીને ઝડપથી પકડી લેવાશે, અને તેમને આકરી સજા કરવામાં પોલીસ અને રાજ્ય સરકાર પાછી પાની નહીં કરે.