ગુજરાતમાં છ મહિનામાં 134 બાળ મજૂરોને મુક્ત કરાવાયા

અમદાવાદ: ગુજરાતને બાળમજૂરીના દૂષણથી મુક્ત બનાવવા માટે મજૂર મંત્રાલયે શરુ કરેલ વિશેષ ઝૂંબેશ હેઠળ છ મહિનામાં 134 બાળમજૂરોને મુક્ત કરાવવામાં સફળતા મળી છે. આ બાળમજૂરો ચાની દુકાનો, હોટલ અને રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતાં.

એપ્રિલથી સપ્ટેમ્બર 2019માં રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બાળમજૂરી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેમાં 134 બાળમજૂરોને મુક્ત કરવા માટે અમદાવાદની ચાની દુકાનો, રેસ્ટોરન્ટો અને હોટલો પર મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. વિભાગના મુખ્ય સચિવ વિપુલ મિત્રના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં બાળમજૂરીની દૂષણને દૂર કરવા માટે દર વર્ષે દરોડા પાડવામાં આવે છે, જેમાં ચાની દુકાનો, હોટલ, રેસ્ટોરાં, ઝરદોશી અને કાપડ એકમોનો સમાવેશ થાય છે, જ્યાં બાળમજૂરી સૌથી વધુ જોવા મળે છે.

વિભાગ દ્વારા 2017-18માં, કુલ 86 દરોડા પાડવામાં આવ્યાં હતાં, જ્યારે વર્ષ 2018-19માં 822 દરોડા કરવામાં પાડવામાં આવ્યાં હતાં. આ વર્ષમાં પ્રથમ વખત મોટી સંખ્યામાં 134 બાળમજૂરોને મુક્ત કરાયાં હતાં. તેમાંના મોટાભાગના રાજસ્થાનના ડુંગરપુર, બાંસવાડા, ઉદેપુર અને ગુજરાતના આદિવાસી વિસ્તારોના બાળકો છે. બીટી કપાસ માટે રાજસ્થાનથી લાવવામાં આવેલ બાળમજૂરોને છોડાવવા માટે વિશેષ ઝૂંબેશ ચલાવીને બાળમજૂરી રોકવા માટેના તમામ પ્રયત્નો સરકાર દ્વારા થતાં હોવાનું જણાવાયું હતું.

રાજ્યમાં બાળ મજૂરોની વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. બાળમજૂરીમાં મોટાભાગે એવા બાળકો હોય છે જે ઘેરથી ભાગી જાય છે. અથવા જેનું અપહરણ કરીને વેચવામાં આવે છે. ગરીબ પરિવારોના બાળકો પણ તેમના બાળકોને મજૂરી કરાવી રહ્યાં છે. આ બાળમજૂરો પાસે ચાની દુકાનો, હોટલો અને રેસ્ટોરાંમાં ખૂબ જ કામ કરાવાય છે, બદલામાં તેમને નજીવું મહેનતાણું આપવામાં આવે છે. યોગ્ય પોષણના અભાવે બાળમજૂરોનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ નબળું હોય છે તેથી યોગ્ય શારીરિક વિકાસ થતો નથી અને તેઓ અશિક્ષિત પણ રહી જાય છે.