અને આજે તલાટીકાકાની મૌનની બાધા પૂરી થઇ હશે…..

અમદાવાદ: આજનો દિવસ આ દેશ માટે અત્યંત મહત્વનો અને યાદગાર બની રહેશે. લાંબા સમય પછી, જ ક્ષણનો આપણને સૌને વર્ષોથી ઇંતજાર હતો એ ક્ષણ આવી અને વર્ષોથી આપણા સૌના હદયમાં પડેલી લાગણીને વ્યક્ત કરી ગઇ. આ એક એવો ચુકાદો છે, જેમાં કોઇની હાર નથી થઇ. બલ્કે, બધાની લાગણી અને શ્રધ્ધાનો વિજય થયો છે.

આમ તો રામમંદિર માટેનો સંઘર્ષ દાયકાઓ જૂનો છે. એ બધી જ ઘટનાઓ કે એના માટે આયખું આપી દેનારા બધા જ લોકોની યાદી બનાવવા બેસીએ તો બહુ લાંબી થાય. અનેક લોકોએ આ ક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હશે. અનેક તપસ્વી લોકોએ સંઘર્ષ કર્યો હશે.

આજે એ બધાને વંદન, પણ આજે જ્યારે ચુકાદો આવ્યો છે ત્યારે એક વ્યક્તિની મને બહુ યાદ આવે છે.

હું જયારે ૧૯૮૯ થી ૧૯૯૮ ભાજપમાં પ્રદેશ કાર્યાલય મંત્રી હતો ત્યારે ત્યાં રામમંદિર બને એ માટે ભાજપનાં એક સામાન્ય કાર્યકર્તાની એક અસામાન્ય બાધા મને યાદ આવે છે.

એ વ્યક્તિ એટલે તલાટીકાકા. આજીવન સેવાના ભેખધારી.

હા, આ વાત છે 1977ની. સુરતની આસપાસના ગામડાના મૂળ વતની એવા સ્વ.રમેશભાઈ તલાટી- એટલે કે તલાટીકાકાની. તેમણે ‘જયાં સુધી રામમંદિર બને નહીં ત્યાં સુધી હું બોલીશ નહીં’ એવી એટલે કે મૌન રહેવાની બાધા લીધેલી. તલાટીકાકા અમદાવાદમાં ક્યાંક બેંકના મેળામાં રહેતા. આ વાતની જાણ અમારા પ્રદેશ કાર્યાલયમાંથી જનક પુરોહિતને થઇ એટલે એ તેમને ખાડિયા ભાજપ કાર્યાલય ખાતે લઈ આવ્યા.  1977-78 માં કપડવંજ વિધાનસભાની ચૂંટણી વખતે ખાડિયા કાર્યાલય ખાતે તેમણે રહેવાની શરુઆત કરી. પ્રથમ વખત તેમણે જ અમદાવાદના નહેરુ બ્રીજ પર મોટા અક્ષરે જયશ્રી રામ એમ લખેલું.

એ પછી તલાટીકાકા (બધા એમને એ તલાટીકાકા એમ જ ઓળખતા) ભાજપ ખાનપુર કાર્યાલય રહીને પક્ષ માટે વોલ પેઈન્ટીંગ કરતાં. ભાજપના સૂત્રો દીવાલો પર ચીતરવાનું કામ કરતા. બેનરો બનાવતા. જમવામાં પપૈયું અને દૂધ લેતા. સતત વિચાર અને બીડી જ તેમનો ખોરાક. હંમેશા સફેદ લેંઘો-ઝભ્ભો પહેરે. શરીરે એકદમ દુબળા, પણ લાગણીશીલ એવું વ્યક્તિત્વ.

એ સમયે નરેન્દ્રભાઈ મોદી પ્રદેશ મહામંત્રી હતા એટલે તલાટીકાકા એમની સાથે ઘણીવાર વાતો કરતા અને રામમંદીર ક્યારે બનશે? એમ પૂછતા. નરેન્દ્રભાઈ જવાબમાં કહેતાં,  ‘ભગવાન શ્રીરામ પર શ્રધ્ધા રાખો અને ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખો, તલાટીજી. રામમંદિર ચોક્કસ બનશે.’

લગભગ પચ્ચીસ વર્ષ સુધી તલાટીકાકા મૌન રહ્યા હશે. ૧૧ મે, 2010 ના રોજ એમનું  દુ:ખદ અવસાન થયું. આજે એ દેહસ્વરુપે હયાત નથી, પરંતુ એમની ભગવાન શ્રીરામ પ્રત્યેની શ્રધ્ધા-આસ્થાની બાધા સ્વરુપે એ હજુ જીવંત છે.

એવું લાગે છે કે, આજે રામ જન્મભૂમિનો ચુકાદા આવ્યો પછી નરેન્દ્રભાઈ સાથેનો એમનો જૂનો ફોટો છે એમાં જાણે નરેન્દ્રભાઇ એમને કહી રહયા હોય કે, ‘જોયું, મેં કહ્યું હતું ને કે શ્રધ્ધા રાખો, વિશ્વાસ રાખો? તલાટીકાકા, હવે રામમંદીર બનશે જ…’

આજે હવે ચુકાદો આવી ગયો છે અને રામમંદિરના નિર્માણની ઘડી નજીક આવી ચૂકી છે ત્યારે એમની મૌનની બાધા પણ પૂરી થશે અને એમના આત્માને શાંતિ મળશે. તેમને મારી હ્રદયપૂર્વકની અશ્રુભરી શ્રધ્ધાંજલિ.

(ભરત પંડયા, પ્રદેશ પ્રવક્તા ગુજરાત પ્રદેશ ભાજપ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]