અમદાવાદઃ ગુજરાત પોલીસે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે તે રાજ્યમાં ભાજપની સરકારને પાડવા માટેના એક ષડયંત્રમાં સામેલ હતી. ગુજરાત પોલીસની વિશેષ ટીમ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે સેતલવાડ 2002નાં તોફાનો પછી રાજ્યમાં ભાજપ સરકારને પાડવા માટે સ્વ. અહેમદ પટેલના ઇશારે રચવામામાં આવેલા ષડયંત્રમાં સામેલ હતી.
ગુજરાતનાં રમખાણોના કેસમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા ઘડવાના આરોપમાં સેતલવાડની IPS અધિકારીઓ આર. બી. કુમાર અને સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ચીમ (SIT)એ તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે તિસ્તા સાથે આ કાવતરું ઘડવામાં રાજ્યના ભૂતપૂર્વ DGP આરબી શ્રીકુમાર અને ભૂતપૂર્વ IPS સંજીવ ભટ્ટ પણ સામેલ હતા.
રાજ્યનાં રમખાણો પછી આ લોકોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર ઘડ્યું હતું.SIT સોગંદનામામાં જણાવ્યાનુસાર કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના આદેશ પર સેતલવાડને એક વખત રૂ. પાંચ લાખ અને એક વાર રૂ. 30 લાખ આપવામાં આવ્યા હતા.
કોંગ્રેસે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. આ સાથે જ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલેએ વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે મારા પિતા જીવતા હતા ત્યારે કાર્યવાહી કેમ ન કરવામાં આવી? વિપક્ષને બદનામ કરવા માટે આ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું હતું કે ગુજરાત ચૂંટણી પહેલાં તો આવું થવાનું જ હતું. આ મામલાને 20 વર્ષ થઈ ગયાં છે. મારા પિતા જીવિત હતા ત્યારે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં? ચૂંટણીને કારણે આવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.