વરસાદી વિરામ બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો

ગુજરાતમાં મહદ અંશે વરસાદે વિરામ લીધો છે. ત્યારે વરસાદી વિરામ બાદ શહેરમાં રોગચાળા પગ પેસારો કર્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં લોકો નાની મોટી બિમારી સામે લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે  શહેરમાં છેલ્લા 7 દિવસમાં 172 ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર પાછલા એક સપ્તાહમાં શહેરમાં ચિકન ગુનિયાના 12 કેસ નોંધાયા છે, તો ઝાડા ઉલ્ટીના 146 જેટલા કેસો નોંધાયા છે.જ્યારે કમળાના 113 કેસો, ટાઈફોઈડના 164 કેસ સામે આવ્યા છે. વધતા રોગચાળાને ધ્યાને રાખી નિષ્ણાતો હાલ ખાણીપીણીમાં ધ્યાન રાખવા માટે અને વાસી ખોરાક ના ખાવા માટેની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત પાણી પણ ઉકાળીને પીવા માટે જણાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે 28 ઓગસ્ટે પણ અમદાવાદમાં રોગચાળાના આંકડા સામે આવ્યા હતા, જેમાં એક અઠવાડીયામાં 10,177 દર્દીઓ OPDમાં નોંધાયા હતા, જેમાંથી ડેન્ગ્યુના 116 કેસ અને વાયરલ ઈન્ફેકશનના 1,500 કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહે પાણીના 1,452 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 234 સેમ્પલ અનફિટ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં ઘણા વિસ્તારોમાં પાણી ડોહળાયેલુ આવી રહ્યું હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. નદીના પાણી અને વરસાદી પાણી મિક્સ થવાના કારણે હાલમાં આ સમસ્યા સામે આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા પણ પાણી ઉકાળીને પીવા માટે અને રહેણાંક વિસ્તારોમાં આસપાસમાં ગંદકી ના થાય તેની તકેદારી રાખવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે.