USAના પરિવારને બિરદાવતાં રાજ્યપાલ, દીકરી હોવા છતાં બીજી દીકરી દત્તક લીધી

ગાંધીનગર- પરિવારમાં એક દીકરી હોય અને બીજી દીકરીને દત્તક લેવાનો પ્રસંગ સમાજ તેમજ લોકો માટે ખૂબજ પ્રેરણાદાયી છે. ભારતીય સંસ્કૃતિમાં ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને આજે આ અમેરિકા સ્થિત બિનનિવાસી ભારતીય દંપતિએ દીકરીને દત્તક લઇને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે જે અભિનંદનને પાત્ર છે તેમ રાજભવન ખાતે દંપતિને દીકરી દત્તક આપવાના દત્તકગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું.

રાજ્યપાલે કહ્યું હતું કે માત્ર દોઢ વર્ષની અનાથ બાળકીને દત્તક લઇને USA  સ્થિત શ્યામ પરમેશ્વરન મોહન અને તેમના પત્ની અને મૂળ ગુજરાતી એવા  પાયલ મોહને આ બાળકીને નવું જીવન આપ્યું છે. આ દીકરીના આગમનથી શ્યામ મોહનના જીવનમાં- પરિવારમાં ખુશીઓ અને સમુદ્ધિ આવશે. અજાણી વ્યક્તિને પોતાની માનીને તેનામાં પોતાનાપણાનો ભાવ જાગે તે જ સાચી માનવતા છે.  સુખી-સંપન્ન દંપત્તિ એક બાળકી દત્તક તરીકે સ્વીકાર કરે છે ત્યારે સમાજ વધુ મજબૂત બને છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનને આ પ્રકારના પગલાથી ખૂબ જ બળ મળશે. કાંતિમાંથી નવું નામ ધારણ કરનાર દીકરી સીયાના પાલક માતાપિતા એવા મોહન દંપતિને હું આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન ઇશ્વરભાઇ પરમારે અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ ગૃહ અને શિશુ ગૃહ પાલડીની કામગીરીની સરાહના કરતાં કહ્યું હતું કે આજે પરિવારમાં દીકરી હોય એ ગૌરવની બાબત છે. એમાં પણ આજે શ્યામ મોહન પરિવારે પોતાની એક દીકરી ઉપરાંત અન્ય એક દીકરી દત્તક લીધી છે તે તમામ માટે પ્રેરણારૂપ છે. ઉલ્લેખનીય છે કે, ઈશ્વર પરમારે મંત્રી બન્યા બાદ પોતાનો પ્રથમ પગાર પણ આ શિશુગૃહને અનાથ બાળકોના કલ્યાણ માટે અર્પણ કર્યો હતો. રાજ્યપાલ અને મંત્રીની ઉપસ્થિતિમાં બાળકીને દત્તક આપવા માટેની સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા બાદ વૈદિક મંત્રોચ્ચાર વિધિ અને સાંસ્કૃતિક પરંપરા મુજબ દીકરી સીયાને તેમના પાલક માતાપિતાને દત્તક તરીકે આપવાની કામગીરી પૂર્ણ કરાઇ હતી.  ઈશ્વર પરમારના હસ્તે દીકરી સીયાનો USA નાગરિક તરીકેનો પાસપોર્ટ પણ વિધિવત રીતે તેમના માતાપિતાને આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દીકરીને દત્તક લેનાર મોહન દંપતિએ પોતાના પ્રતિભાવો આપતાં કહ્યું હતું કે સીયાને દત્તક લેવાની ત્રણ વર્ષની પ્રક્રિયામાં સરકાર અને શિશુ ગૃહ પાલડીના કર્મયોગીઓ દ્વારા અમને ખૂબ જ સહકાર મળ્યો છે. અમે ગુજરાતી દીકરીને દત્તક લેવા બદલ ગૌરવ અનુભવીએ છીએ. આ માટે દંપત્તિએ સૌનો આભાર માન્યો હતો.

ગુજરાત રાજ્ય બાળ આયોગના ચેરપર્સન જાગૃતિબહેન પંડ્યાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરીટી –CARAની રચના કરવામાં આવી છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા આ સંસ્થાનું નિયમન કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૪થી કાર્યરત શિશુ ગૃહ પાલડી દ્વારા અત્યાર સુધીમાં કાયદાકીય પ્રક્રિયા બાદ અનેક અનાથ બાળકીઓને સુખી સંપન્ન માતા-પિતાને દત્તક આપીને નવુ જીવન આપ્યું છે.  આ પ્રસંગે શ્રીમતી પંડ્યાએ શ્યામ મોહન પરિવારને અભિનંદન આપીને બાળકીને દત્તક લેવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]