સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કિંગ સિસ્ટમમાંથી ડેબિટ કાર્ડ્સના ઉપયોગને બંધ કરી દેવા માગે છે

0
508

મુંબઈ – ભારતમાં સૌથી મોટી ગણાતી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કિંગ સિસ્ટમમાંથી ડેબિડ કાર્ડના ઉપયોગનો અંત લાવી દેવા વિચારે છે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે બેન્કોના એક શિખર સંમેલનમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ડેબિટ કાર્ડના ઉપયોગને ખતમ કરી દેવાની અમારી ઈચ્છા છે. મને ખાતરી છે કે અમે એને નાબૂદ કરી શકીશું.

દેશની કુલ વસ્તીના પાંચમા ભાગના લોકો એસબીઆઈની ડેબિટ કાર્ડ સર્વિસ પર નભે છે. તે છતાં એસબીઆઈ ડિજિટલ પેમેન્ટ પદ્ધતિને ઉત્તેજન આપવા અને પ્લાસ્ટિક કાર્ડને નાબૂદ કરી દેવા માગે છે.

રજનીશ કુમારે એવી નોંધ લીધી છે કે દેશમાં 3 કરોડ ક્રેડિટ કાર્ડ્સની સામે આશરે 90 કરોડ ડેબિટ કાર્ડ્સ છે. ડેબિટ કાર્ડ-વિહોણો દેશ બનાવવાના ધ્યેયને હાંસલ કરવા માટે ડિજિટલ સોલ્યૂશન્સને અપનાવવાની જરૂર છે, જેમ કે અમારી બેન્કનું ‘Yono’ પ્લેટફોર્મ છે.

એસબીઆઈએ દેશભરમાં 68,000 ‘યોનો કેશપોઈન્ટ્સ’ની રચના કરી છે અને આવતા 18 મહિનામાં આ આંકડો તે 10 લાખ પર પહોંચાડવા માગે છે. રજનીશ કુમારનું કહેવું છે કે યોનો સેવાનો વ્યાપ વધી રહ્યો છે તેથી પોતાનું ડેબિટ કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત ઘટી જશે. યોનો સેવાની મદદથી એસબીઆઈના ગ્રાહકો એટીએમ મશીનોમાંથી રોકડ ઉપાડી શકે છે અથવા કોઈ સ્ટોર કે દુકાનમાંથી ખરીદી પણ કરી શકે છે, એ માટે તેની પાસે કાર્ડ હોવું જરૂરી નથી હોતું.

રજનીશ કુમારે વધુમાં કહ્યું કે ભવિષ્યમાં વર્ચુઅલ કુપન્સ પદ્ધતિ જ ચાલશે. આવતા પાંચ વર્ષમાં પ્લાસ્ટિક કાર્ડના ઉપયોગ ઘટી જશે. હાલ પેમેન્ટ કરવામાં QR કોડ પદ્ધતિ ઘણી જ સસ્તી પડે છે.