અમદાવાદ: જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં રોડ પર પાન-મસાલા ખાઈને થૂંકનાર લોકો સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં જાહેર રોડ પર થૂંકનારા 623 લોકોને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઝડપી રૂપિયા 63,400નો દંડ ફટકાર્યો છે. દરરોજ વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા ફરીને આવા ગંદકી ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક અઠવાડિયામાં શહેરમાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરી રહ્યું છે. સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના જંક્શનો પર લગાવેલા પાંચ હજારથી વધુ સીસીટીવી કેમેરાની મદદથી પણ જે વાહનચાલકો ચાર રસ્તા પર વાહન ઊભું રાખે છે તે દરમિયાન રોડ પર થૂંકે તેને સીસીટીવી કેમેરામાં કેપ્ચર કરી તેનો ફોટો લેવામાં આવે છે અને ત્યાર બાદ વાહન નંબરના આધારે તે વ્યક્તિને રૂપિયા 100થી લઈને અને રૂપિયા 500 રૂપિયા સુધીનો દંડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવે છે. સીસીટીવી કેમેરા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનના કર્મચારીઓ જે વ્યક્તિ જાહેર રોડ ઉપર થૂંકતા હોય તેમને પકડીને પણ દંડ કરી રહ્યા છે.