અમદાવાદઃ અદાણી વિલ્મરે બાસમતી ચોખા અને FMCG બિઝનેસમાં અગ્રણી સ્થાન બનાવવા માટે ફૂડ સેગમેન્ટમાં કોહિનૂર બાસમતી ચોખાની બ્રાન્ડ ખરીદી છે. આ હસ્તાંતરણ પછી કોહિનૂર રાઇસ બ્રાન્ડની સાથે કોહિનૂર બ્રાન્ડ હેઠળ તૈયાર ભોજન અને તૈયાર ટૂ ઈટ કરી બ્રાન્ડની માલિકી અદાણી વિલ્મર પાસે હશે. કંપનીએ McCormick Switzerland GMBH પાસેથી કોહિનૂરનો ભારતીય બિઝનેસ હસ્તગત કર્યો છે. આ અધિગ્રહણ સાથે અદાણી વિલ્મરને ‘કોહિનૂર’ બાસમતી ચોખા બ્રાન્ડના તમામ અધિકારો મળશે. આ સાથે કંપનીને ભારતમાં કોહિનૂર બ્રાન્ડના નેજા હેઠળ વેચવામાં આવતા ‘રેડી ટુ કૂક’, ‘રેડી ટુ ઈટ’ કરી અને મીલ પોર્ટફોલિયોના પણ અધિકારો મળશે, એમ કંપનીએ એક્સચેન્જને આપેલ માહિતીમાં જણાવ્યું હતું.
અદાણી વિલ્મરના CEO અને MD અંગશુ મલિકે આ સોદા અંગે જણાવ્યું હતું કે અદાણી વિલ્મરના ફોર્ચ્યુન પરિવારમાં હવે અમે કોહિનૂર બ્રાન્ડને વકારી છીએ. કોહિનૂર એ એક વિશ્વસનીય બ્રાન્ડ છે તે ભારતના ઓથેન્ટિક સ્વાદનું પ્રતિનિધિત્વ કરે છે. આ એક્વિઝિશન ઊંચા માર્જિનવાળા બ્રાન્ડેડ સ્ટેપલ્સ અને ફૂડ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં અમારા પોર્ટફોલિયોના વિસ્તરણ માટે અમારી વ્યૂહરચના સાથે સુસંગત છે. અમારું માનવું છે કે પેકેજ્ડ ફૂડ કેટેગરીમાં વૃદ્ધિ માટે હજુ ઘણો અવકાશ છે કારણ કે આ સેગમેન્ટમાં દેશમાં હજી અનેક ગણો વિકાસ બાકી છે. આ હસ્તાંતરણ ફૂડ અને FMCG કેટેગરીમાં કંપનીની લીડરશિપને વધુ મજબૂત કરશે.
કંપનીએ કોહિનૂરને ખરીદવા રૂ. 450થી 500 કરોડમાં સોદો કર્યો હોવાની સંભાવના છે, એમ સૂત્રોએ કહ્યું હતું.