અમદાવાદઃ સવારની કડકડતી ઠંડીની પરવા કર્યા વિના અમદાવાદના અનેક એથ્લીટ્સની હાજરી વચ્ચે આજે અત્રે અદાણી અમદાવાદ મેરેથોનની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. AIIMS દ્વારા પ્રમાણિત આ મેરેથોનમાં સહભાગી થવા અસંખ્ય ઉત્સાહી લોકો શાંતિગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એકત્ર થયા હતા. 12,000થી વધારે લોકોએ આ દોડમાં ભાગ લીધો હતો. એમાં ભારતીય સશસ્ત્ર દળોના 1,700 જેટલા જવાનોનો સમાવેશ થાય છે. #Run4OurSoldiers પહેલ સાથેની આ મેરેથોનના આયોજનને પગલે ભારતીય સેનાનાં જવાનોના સુખાકારી ભંડોળ તથા પુણેસ્થિત પેરાપ્લેજિક રીહેબિલિટેશન સેન્ટરની આર્થિક સહાયતા માટે રૂ. 50 લાખનું ભંડોળ એકત્ર થયું હતું.
એરમાર્શલ વિક્રમ સિંહ (AOC-in-C, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ), મેજર જનરલ મોહિત વાધવા (જનરલ ઓફિસર કમાન્ડિંગ), રેસનાં એમ્બેસેડર કારગીલ યુદ્ધના જવાન મેજર ડી.પી.સિંહ, ઓલિમ્પિયન એથ્લીટ ગીતા ફોગાટ, ભારતીય મહિલા હોકી કેપ્ટન રાની રામપાલ, બોલીવુડ અભિનેતા આયુષમાન ખુરાનાએ મેરેથોનને લીલી ઝંડી બતાવી હતી. અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડના પ્રણવ અદાણીએ કહ્યું કે મેરેથોનની આ છઠ્ઠી આવૃત્તિ વિશેષ કરીને દેશભરનાં દિવ્યાંગ રનર્સ માટે યોજવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં લોકોનો ઉત્સાહ જોઈને ખુશી થઈ.
2017માં શરૂ કરાયેલી અદાણી અમદાવાદ મેરેથોન ભારતીય સશસ્ત્ર દળોના જવાનો પ્રતિ એકતાની ભાવનાની અભિવ્યક્તિ છે. આમાં 10 કિ.મી.ની ફૂલ મેરેથોન અને પાંચ કિ.મી.ની હાફ-મેરેથોન યોજવામાં આવે છે.