અમદાવાદઃ ગુજરાતી ફિલ્મના શોખીનોને યાદગાર ગુજરાતી ફિલ્મ કંકુ યાદ જ હશે. આવા ફિલ્મ શોખીનો માટે ગઇકાલનો દિવસ દુઃખદ બની રહ્યો કેમ કે, આ ફિલ્મમાં કંકુનો રોલ ભજવનાર હિરોઇન પલ્લવી મહેતાનું ગઇકાલે અમદાવાદમાં નિધન થયું છે. જ્યારે ગુજરાતી ફિલ્મોની વાત નીકળે ત્યારે ચોક્કસ કંકુનું નામ આવે જ .
કંકુ ફિલ્મમાં યાદગાર અભિનય માટે પલ્લવી મહેતાને એ સમયે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. એકદમ સરળ સ્વભાવ, લાગણીશીલ વ્યક્તિત્વ અને નેચરલ એક્ટિંગ આ એમના જીવનના કેટલાક મહત્વનાં પાસાઓ હતા.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પલ્લવીબહેનના દીકરી સોનાલી મહેતા કહે છે, મારા પિતાની નોકરી એવી હતી કે દર ત્રણ-ચાર વર્ષે શહેર બદલવાનું થતું. મુંબઈમાં મમ્મીના ભાઈ રહેતા હતા. તેમના પાડોશી એટલે કાંતિલાલ રાઠોડ, જેમણે આ કંકુ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. તે સમયે મારા મમ્મી કોલકાતામાં થિયેટર કરતા હતા અને કાંતિલાલ ભાઈ મમ્મીના કામથી પરિચિત હતા. એક દિવસ તેમણે સામેથી મમ્મીને કહ્યું કે હું એક ફિલ્મ કરી રહ્યો છું તો તેમાં તમે કામ કરશો? મારા પપ્પાએ પણ મમ્મીને કહ્યું કે, કર આ ફિલ્મ. બસ, પછી એવી રીતે આ ફિલ્મ બની.
સોનાલીબહેન કહે છેઃ મમ્મીને 1969માં શિકાગો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. પછી મારા ફાધરની ટ્રાન્સફર દિલ્હીમાં થઈ. તે સમયે તેમને ગુજરાતમાં ઘણી ફિલ્મોની ઓફર આવી હતી પરંતુ તેમણે પોતાના પરિવારને પ્રાયોરિટી આપી અને નક્કી કર્યું કે મારે બાળકોને મૂકીને શૂટિંગ માટે દિલ્હીથી ગુજરાત અને ગુજરાતથી દિલ્હીની દોડાદોડ નથી કરવી. પછી તેમણે દિલ્હીમાં ગુજરાતી અને હિંદી થિયેટર કર્યા. દિલ્હીમાં તેમણે સાક્ષી તનવર, પંકજ કપૂર, અનુ કપૂર સહિતના કેટલાક જાણીતા લોકો સાથે કામ કર્યું. તે સમયે તેમણે “કિસી એક ફૂલ કા નામ” સહિતના કેટલાક નાટકોમાં પણ કામ કર્યું હતું.
એ પછી પલ્લવીબહેને 1974 માં મુંબઈમાં વિજય દત્ત સહિતના કલાકારો સાથે ડ્રામામાં કામ કર્યું. 1975 થી 1990માં કોલકાત્તામાં હિંદી નાટકો, દૂરદર્શન પરની હિંદી સીરિયલો તેમજ હિંદી ફિલ્મોમાં કામ કર્યું. પછી તેઓ અમદાવાદમાં આવી ગયા. અમદાવાદમાં ચીનુ મોદી સાથે ઘણા નાટકોમાં અને સીરિયલોમાં પણ કામ કર્યું.
છેલ્લા બે ત્રણ વર્ષથી તબિયત થોડી બગડી એ પછી તેમણે કામ કરવાનું થોડું ઓછું કરી દીધું હતું.
પલ્લવી મહેતા એકદમ શાંત સ્વભાવના વ્યક્તિ હતા અને જ્યારે સ્ટેજ પર આવે ત્યારે એક અલગ જ વ્યક્તિ તરીકે તરી આવતા. ખૂબ સરળ સ્વભાવના હતા. તેમને ટ્રાન્સમીડિયામાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડ પણ મળ્યો હતો. એ 86 વર્ષની પોતાની લાઈફ ભરપૂર આનંદ સાથે જીવ્યા છે.
પલ્લવીબેનના એક આત્મીય સ્વજન અને જાણીતા કલાકાર રુપા દિવેટીયાએ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છેઃ એકદમ નેચરલ એક્ટિંગ કરતા એક અભિનેત્રી હતા. તેઓ એકદભ મૃદુભાષી હતા અને ગજબની ભાષા શુદ્ધી ધરાવતા વ્યક્તિ હતા. 69 ના સમયમાં તેમણે જાણે કંકુના પાત્રને આત્મસાત કર્યું હોય તેવી રીતે એકદમ નેચરલી ભજવ્યું હતું. પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તા પરથી બનાવેલી આ ફિલ્મ હતી. તે સમયે ફિલ્મોનો એક આખો અલગ દોર હતો અને એવા સમયમાં આ ફિલ્મ જ્યારે રીલીઝ થઈ હતી ત્યારે તેમના અભિનયને લઈને તેમના ખૂબ વખાણ થયા હતા.
રૂપાબહેન કહે છે, જો એમણે તે સમયે ગુજરાતી ફિલ્મોમાં વધારે કામ કર્યું હોત તો આજે ચોક્કસરીતે કંઈક અલગ સ્ટેજ પર તેમનું નામ હોત, પરંતુ તેમણે પોતાના પરિવાર અને બાળકો પર વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું અને એટલે વધારે ગુજરાતી ફિલ્મો ન કરી. જો કે, આમ છતાં કંકુ તરીકે, કંકુના પાત્રને જીવી જવા બદલ એક ઉત્તમ અભિનેત્રી તરીકે અને સહજ ઉમદા વ્યક્તિ તરીકે પલ્લવીબહેન આપણા સૌના દિલમાં સદાય જીવંત રહેશે.