હવે બદરુદ્દીન શેખને ય કોરોનાઃ રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ

અમદાવાદ:  કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ આજે AMCના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  તો બીજી બાજુ ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પણ આજે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ગઈકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકોએ ઈમરાન ખેડાવાલા સાથે બેઠક કરી ત્યારબાદ તેને સાંજે ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમા ફફડાટ વ્યાપી ગયો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આજે  હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ડો.અતુલ પટેલે ગુજરાતના જાણીતા ડો. આર કે પટેલ સાથે પરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. તેઓ પોતાના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેક્નોલોજીના ઉપયોગથી વીડિયો કોન્ફરન્સ, વીડિયો કોલિંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. દરમિયાન તેઓ એક સપ્તાહ સુધી કોઈને પણ મળી શકશે નહીં. રૂપાણી સરકારની તમામ કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન ટેક્નોલોજીના ઉપયોગથી મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાબેતા મુજબ કરશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે. WHOની ગાઈડલાઈન મુજબ CM વિજય રૂપાણી કોઈને મળી શકશે નહીં.

ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનો ભત્રીજો અને ડ્રાઈવર હોમ ક્વોરન્ટીન થયા છે. જ્યારે MLAના સંપર્કમાં આવેલા 30 લોકોના સેમ્પલ લેવાયા હતા. ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંકડો 695 કેસ થયા છે. આજે કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે. જેમાં વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]