અમદાવાદઃ અંબાજીમાં ભાદરવા પૂનમ ભરવા જતા પગપાળા ભક્તોને અકસ્માત નડ્યો છે. અરવલ્લીના માલુપુર નજીક એક કારચાલકે અંબાજી જતા પદયાત્રીઓને અડફેટે લીધા હોવાની દુર્ઘટના બની છે. કારચાલકે અંબાજી પગપાળા જતા યાત્રીઓને કચડ્યા છે. જેમાં સાતનાં મોત થયાં છે અને પાંચ જણ ઘાયલ થયા છે. આ પદયાત્રીઓ કાલોલ સંઘના હોવાની માહિતી મળી છે. તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલી ગામના વતની છે. આ ઘટનામાં ઘાયલ થયેલા પદયાત્રીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે મૃતકોને તથા ઘાયલોને આર્થિક સહાય કરવાની પણ જાહેરાત મુખ્ય મંત્રી દ્વારા કરવામાં આવી છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીમાં બનેલી ગોઝારી ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય આપશે.
અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 2, 2022
આ અકસ્માતમાં કારચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને પણ મોડાસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટી તંત્રને ઘાયલોને જરૂરી તમામ સારવાર મળી રહે એ માટેની સૂચનાઓ આપવામાં આવી છે.