રાજ્યમાં સરકારી યુનિવર્સિટીમાં GCAS પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવીને પ્રવેશ મેળવી રહ્યા છે. ત્યારે આ પોર્ટલને લઈ ABVPના કાર્યકર્તાઓ મેદાને ઉતર્યા છે. ત્યારે GCAS પોર્ટલ નિષ્ફળ હોવાનો ABVPએ આક્ષેપ કર્યો છે.
રાજ્યમાં ABVPએ GCAS પોર્ટલનો વિરોધ કર્યો હતો. રાજકોટ, અમદાવાદ, વડોદરાની યુનિવર્સિટીને તાળાબંધી કરીને ‘શિક્ષણમંત્રી હાય હાય’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ABVP કાર્યકર્તાઓનો વિરોધ ઉગ્રા બનતા પોલીસ તંત્રને એક્શન લેવાની ફરજ પડી હતી. ઉગ્રા આંદોલનની સ્થિતીને થાડે પાડવા જતા પોલીસ અને ABVPના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. એક કાર્યકરને ઈજા પહોંચી હતી તો એક કાર્યકર બેભાન થઈને ઢળી પડતાં 108 મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
GCAS પોર્ટલનો વિરોધ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી 15 વિશ્વ વિદ્યાલયોમાં સ્નાતક અને અનુસ્નાતકક્ષાના પ્રવેશ માટે GCAS મારફત એડમિશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે, પરંતુ એમાં અમુક ખામીઓ રહેલી છે. જેમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને એડમિશન, LLBમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ ન થવી, સ્નાતકના છેલ્લા સેમેસ્ટરના તેમજ પૂરક પરીક્ષાનાં પરિણામો બાકી છે ત્યારે PGના વિદ્યાર્થીઓ માટે પ્રવેશપ્રક્રિયા આ તમામ બાબતોને લઈને ABVPએ વિરોધ નોંધાવ્યો હતો. ABVPના કાર્યકરો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ વિભાગો બંધ કરાવવામાં આવ્યા હતા. બાદમાં કાર્યકરોએ પૂતળા દહન કર્યું હતું. જોકે, આ દરમિયાન પરીક્ષા વિભાગ પણ બંધ કરાવવામાં આવતાં રાજકોટ શહેર ઉપરાંત બહારગામથી આવેલા વિદ્યાર્થીઓને કલાક સુધી હેરાનગતિ ભોગવવી પડી હતી. તો વડોદરામાં ABVPના કાર્યકરોએ ફતેગંજ સર્કલથી યુનિવર્સિટી હેડ ઓફિસ સુધી રેલી કાઢી હતી અને હેડ ઓફિસ પહોંચીને અચાનક જ GCAS પોર્ટલની અર્થી કાઢી હતી, જેથી પોલીસ એલર્ટ થઇ ગઇ હતી અને કાર્યકરો પાસેથી અર્થી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સમયે પોલીસ સાથેના ઘર્ષણમાં એક કાર્યકરને માથામાં ઇજા થઇ હતી અને એક કાર્યકર બેભાન થઇ ગયો હતો. જેથી બંનેને 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લઇ જવાયા હતા.