અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આપ પાર્ટીએ ચૂંટણી માટે આજે 12 ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું છે. બીજી બાજુ દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ ફરી એક વાર આઠ-નવ ઓક્ટોબરે રાજ્યની મુલાકાત લેવાના છે. આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારનું લીસ્ટ જાહેર કર્યુ છે. જે નીચે પ્રમાણે છે.
આપ પાર્ટીએ અમદાવાદની અમરાઈવાડી, વટવા, હિંમતનગર, ગાંધીનગર સાઉથ, સાણંદ, કલોલ, કેશોદ, ઠાસરા, શહેરા અને દક્ષિણ ગુજરાતમાં સુરતની લિંબાયત તેમ જ નવસારીની ગણદેવી બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 41 ઉમેદવાર જાહેર કર્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ચોથી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/WGjQuXLWVv
— AAP Gujarat (@AAPGujarat) October 6, 2022
આપ પાર્ટીના પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ આ પહેલાં 29 ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે વધુ 12 ઉમેદવારોની જાહેરાત કરીએ છીએ. ચૂંટણી પહેલા જ અમે ઉમેદવાર જાહેર કરીએ છીએ જે ઇતિહાસમાં સૌપ્રથમ વાર છે. રાજ્યમાં લોકોનો ખૂબ જ સાથ મળી રહ્યો છે. ભાજપના લોકો ડરી ગયા છે. કોંગ્રેસનું તો પતન થઈ ચૂક્યું છે. કોંગ્રેસના લોકો હવે ભાજપમાં જઈ રહ્યા છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ ચૂંટણી પહેલા ભાજપમાં જઈ રહ્યા છે અને બીજા ચૂંટણી પછી જશે. તેમણે દાવો કર્યો હતો કે અગાઉ જાહેર કરેલા તેમના ઉમેદવારોને તેમના મત વિસ્તારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હિંમતનગરથી નિર્મળસિંહ અને ગાંધીનગર દક્ષિણથી દોલત પટેલને ટિકિટ આપવામાં આવી છે.