બારડોલીઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓ સતત વિવાદોમાં છે. રાજ્યની વિધાનસભાની બારડોલી સીટ પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી પાસેથી રૂ. 20 લાખ રોકડા મળ્યા પછી પોલીસની સાથે ઇન્કમ ટેક્સ વિભાગની રડારમાં છે. આપના ઉમેદવારે આંગડિયા અથવા હવાલા દ્વારા રૂ. 20 લાખ રોકડા સ્વીકાર્યા બાદ IT વિભાગે તપાસ શરૂ કરી છે. રાજેન્દ્ર પોલીસની ફરિયાદ પછી પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
આ ઘટનાનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં બારડોલીમાં એક સ્પોર્ટ્સ બાઇકચાલક તેજ ગતિથી બાઇક પર ભાગી રહેલા બે લોકોનો પીછો કરી રહ્યો હતો. કારનો કાચ તોડીને નાણાં ભરેલી બેગ લઈને ભાગી રહેલા બે લોકોનો એક બાઇકસવાર પીછો કરી રહ્યો હતો. એ બાઇકચાલક ભાગતા આરોપીઓને બાઇક અટકાવવા માટે ચેતવણી પણ આપી રહ્યો હતો. છેવટે બેગ છીનવીને ભાગી રહેલા આરોપી બેગને રસ્તા પર ફેંકીને ત્યાંથી છૂમંતર થઈ જાય છે. આ બંને આરોપીઓનો પીછો કરનાર શખસનું નામ આદિલ મેનન છે. આદિલ નાણાં ભરેલી બેગ લઈને બારડોલી પોલીસ સ્ટેશનમાં જાય અને પોલીસને બેગ સોંપે છે.
પોલીસ તપાસમાં માલૂમ પડે છે કે કાચ તોડીને નાણાંની બેગ જેમાંથી ચોરવામાં આવી હતી, એ કાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની છે. આ કેસની તપાસ શરૂ થઈ ત્યારે માલૂમ પડ્યું હતું કે આ નાણાં આંગડિયા પેઢીમાંથી આવ્યા છે. પોલીસે આ નાણાંને લઈને સોલંકીને સવાલ કર્યો, ત્યારે તેઓ સંતોષકારક જવાબ નહીં આપી શક્યા, જે પછી પોલીસે આ મામલે IT વિભાગને તપાસમાં સામેલ કર્યો હતો.