સુરતઃ કોરોના વાયરસ સામેની લડાઈમાં દર્દીઓને બાદ કરતા સૌથી વધારે ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફ ઝઝુમી રહ્યો છે. આ લોકો પાસે માસ્ક અને કીટની પણ ઉણપ છે. ત્યારે આ લોકોના આડોશી પાડોશીએ પણ તેઓની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આવો જ એક કેસ સુરતમાંથી આવ્યો છે. અહીંયા ડોક્ટર સંજીવનીને તેમના પાડોશીઓએ કહ્યું કે, તેમણે હોસ્પિટલથી ઘરે પાછું ન આવવું જોઈએ કારણ કે તેમને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હશે. (મહિલા તબીબ અને પાડોશી)
ડોક્ટરનું કહેવું છે કે, મારા પાડોશીઓએ મને ગાળો અને ધમકી પણ આપી છે. પરંતુ પોલીસે મારી મદદ કરી છે. અત્યારે હોસ્પિટલોમાં આ બિમારીના કારણે કામનું ભારણ છે. ઉલ્લેખનીય છે કે સંકટના આ સમયમાં લોકોના આ પ્રકારના વ્યવહારનો પ્રથમ મામલો નથી. આ પહેલા પણ દિલ્હી સહિત અન્ય ઘણા શહેરોમાં આ પ્રકારની વાતો સામે આવી ચૂકી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં સંજીવકુમાર ઓડિટોરિયમની બાજુમાં રાજહંસ વ્યૂમાં રહેતી નવી સિવિલની મહિલા ડૉકટર સંજીવની પાનીગ્રહીને તેના પાડોશી ચેતન મહેતાએ “તમે હૉસ્પિટલમાં નોકરી કરો છો તો કોરોના તો નથી થયો ને” કહીને શનિવારે ધમકાવ્યા હતા. રવિવારે સાંજે ચેતન મહેતાના પત્ની ફ્લેટ પાસેથી પસાર થતા હતા ત્યારે મહિલા ડૉક્ટરનો પાળતું કૂતરો ભસવા લાગ્યો હતો. જે બાબતે ચેતન મહેતાના પત્નીએ બૂમાબૂમ કરીને ડૉક્ટર સાથે ઝઘડો કર્યો હતો.
બે મહિલાઓ વચ્ચે મગજમારી દરમિયાન ચેતન મહેતા ત્યાં આવી ગયો હતો અને તેણે પણ મહિલા ડૉક્ટર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન મહિલા ડૉક્ટરે આ અંગેનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. જે બાદમાં મહિલા ડૉક્ટરે ધારાસભ્ય હર્ષ સંઘવીને જાણ કરી હતી. જે બાદમાં અડાજણ પોલીસ મહિલાના ઘરે દોડી આવી હતી. અડાજણ પોલીસે ડૉકટરની ફરિયાદ લઈ ચેતન મહેતાની સામે અટકાયતી પગલા લીધા હતા. જોકે, આ જ પ્રમાણે શહેરમાં એક શિક્ષક અને નર્સને પણ પરેશાન કરવામાં આવી હોવાની ફરિયાદ સુરત પોલીસને મળી ચુકી છે. આ તમામ કેસમાં પોલીસે કે દાખલ કરીને કાર્યવાહી કરી છે.
વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ ઘટનાઓને લઈને નિવેદનો આપ્યા છે. કેજરીવાલે આ પ્રકારનો વ્યવહાર કરનારા લોકોને ચેતવ્યા પણ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સોમવારના રોજ કોરોના વાયરસના 18 જેટલા નવા કેસો સામે આવ્યા જેનાથી રાજ્યમાં આ વાયરસથી સંક્રમિત કુલ લોકોની સંખ્યા 146 થઈ ગઈ છે. આ પૈકી 10 લોકો ગત મહિને રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન તબલીગી જમાત દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા.