ગણપત યુનિવર્સિટી દ્વારા ભાગ્યેશ જહાનું ઉષ્માભર્યું સન્માન

વિદ્યાનગરઃ રાજ્ય સરકારેમાં સનદી અધિકારી તરીકે વર્ષો સુધી સેવારત રહી અનેક માન-સન્માન અને એવોર્ડઝ હાંસલ કરનાર ઊંચા દરજ્જાના કવિ, વક્તા અને ચિંતક ભાગ્યેશભાઈ જહાના મુગુટમાં એક યશકલગીનો ઉમેરો થયો છે. હાલમાં બીજી વાર નિમણૂક પામીને રાજ્યની સાહિત્ય અકાદમીમાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહેલા ભાગ્યેશ જહાની કેન્દ્ર સરકારની સંસ્કૃતિ મંત્રાલય હસ્તકની કેન્દ્રીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હીની જનરલ કાઉન્સિલમાં પાંચ વર્ષ માટે એક સભ્ય તરીકે પસંદગી થઈ છે. આ પસંદગી ઘણી પ્રતિષ્ઠિત નિમણૂક છે.

ભાગ્યેશભાઈને પ્રાપ્ત થયેલા આદરભર્યા સ્થાન બદલ ગણપત યુનિવર્સિટીએ તાજેતરમાં અમદાવાદમાં એક સમારંભ યોજીને પદ્મશ્રી ગણપતભાઈ પટેલને હસ્તે ભારે દબદબાભેર તેમનું સન્માન કર્યું હતું. ગણપત યુનિવર્સિટીના પેટ્રન-ઇન-ચીફ તેમ જ પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈએ યુનિવર્સિટીનો ખેસ અને રાજ્યની ગરવી પરંપરાના પ્રતીક સમી પાઘડી પહેરાવીને ભાગ્યેશભાઈ સન્માન કર્યું હતું તો યુનિવર્સિટીની કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન પ્રો. ડીન સત્યેન પરીખ તેમજ જોઇન્ટ રજિસ્ટ્રાર ડો. ગિરીશભાઈ પટેલે પુષ્પ-ગુચ્છ અર્પણ કર્યું હતું.

રાજ્યના ગૌરવ સમા આ સન્માન સમારોહમાં અમેરિકાથી પધારેલા શ્રીમતી મંજુલાબહેન ગણપતભાઈ પટેલ, યુનિ.ના ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્મા અને નવગુજરાત સમય જૂથના સ્થાપક એડિટર અજય ઉમટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગણપત યુનિવર્સિટીના પ્રો. ચાન્ચેલર અને ડિરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ સૌને ભાવપૂર્વક આવકારતાં કહ્યું હતું કે ગણપત યુનિવર્સિટીનો ગુણી પરિવાર હવે વિસ્તરતો જાય છે.

ગણપતભાઈએ યુનિ. માટે બહુ મોટી કહેવાય એવી એક જાહેરાત કરતાં કહ્યું હતું કે યુનિવર્સિટીમાં અને એક ‘સેન્ટર ફોર એશિયન વિઝડમ’ની સ્થાપના કરવા ઇચ્છીએ છીએ ભાગ્યેશભાઈ એની જવાબદારી સંભાળે એવી વિનંતી છે. તેમણે ભાગ્યેશભાઈ વિવિધ પ્રકારની વિશેષતાઓ અને પ્રતિભાને સુપેરે સરાહના કરીને સન્માન સ્વીકારવા આભાર વ્યક્ત કર્યો હતો.

સાહિત્યકાર, વક્તા, ચિંતક અને કુશળ વહીવટીકાર ભાગ્યેશભાઈ સન્માનના પ્રતિભાવ રૂપે ગણપતભાઈ માટે અને યુનિવર્સિટી માટે આદર, આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરી પોતાની ચુનંદી અને જાણીતી કાવ્ય રચનાઓ કહી હતી. તેમણે કહ્યું હતું કે ગણપત દાદા તો એક હરતીફરતી એક વિદ્યાપીઠ છે.